/connect-gujarat/media/media_files/2025/07/10/ankleshwar-cattle-stray-2025-07-10-17-59-13.jpg)
અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાક વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે,અને ક્યારેક સાંઢ યુદ્ધ તો ક્યારેક નિર્દોષ નાગરિકો ઢોરોનો ભોગ બની રહ્યા છે.જલધારા ચોકડી પાસે એક બાઈક સવાર દંપતીને ઢોરે અડફેટમાં લેતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી,અને આ મહિલા ગર્ભવતી હોવાનું પણ જાણવા મળ્યું છે.હાલ મહિલા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અંકલેશ્વરના કોસમડી નજીક રહેતા દિલીપ અશોક ભદાને પોતાની ગર્ભવતી પત્ની ઇન્દુ દિલીપ ભદાનને રસી મુકાવવા માટે અંકલેશ્વર લઇ જતા હતા, ત્યારે જલધારા ચોકડી પાસે બાઈકને અચાનક રખડતા ઢોરે અડફેટે લીધા હતા.આ અથડામણમાં ગર્ભવતી ઈન્દુબેન રોડ પર ફંગોળાઈ જતા તેમના મોઢા અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને સ્થાનિક લોકો દ્વારા સારવાર માટે તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જ્યાં તબીબોએ માતા અને ગર્ભમાં રહેલા બાળક બંનેને બચાવી લીધા હતા.
આ ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના ચેરમેન અતુલ માકડીયા સહિતની ટીમ આ ગરીબ પરિવારને મદદરૂપ બન્યા અને તેમની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરી હતી.જોકે, અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા રખડતા ઢોર અંગે અગાઉથી અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.સ્થાનિક લોકોના આક્ષેપ છે કે આવા ઢોરના માલિકો સામે કાયદેસર કાર્યવાહી ન થવાથી રોડ પર ચાલતા વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાય રહી રહ્યા છે. ત્યારે બેદરકાર ઢોર માલિકોને કડક સજા થાય અને રસ્તાઓ સુરક્ષિત બને તેવી માંગ સ્થાનિક લોકોમાં ઉઠવા પામી છે.