/connect-gujarat/media/media_files/2025/11/30/amod-2025-11-30-19-05-03.jpg)
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામ ખાતેથી હૃદય કંપાવી નાખે તેવી દુર્ભાગ્યસભર ઘટના સામે આવી છે. દોરા–ઘમણાદ રોડ પર આવેલા વીજ કંપનીના ડીપીના થાંભલાના ઈલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવી જતાં 32 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામ નજીક દોરા–ઘમણાદ રોડ પર 32 વર્ષીય યુવાન દિનેશભાઈ ઉર્ફે બાલુ વિનોદભાઈ રાઠોડ વીજ કંપનીના ડીપીના થાંભલા ઉપર ચઢ્યો હતો, ત્યારે અચાનક જીવંત વાયર સાથે સંપર્ક થવાથી તેને કરંટનો જોરદાર ઝાટકો લાગ્યો હતો. ઝાટકો એટલો પ્રચંડ હતો કે, તે વીજ લાઈન પર જ ચોંટી ગયો હતો. જેના કારણે દિનેશ રાઠોડનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં જ આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી, જ્યાં મૃતદેહને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, દિનેશભાઈની પત્ની 4 મહિના પૂર્વે 3 દીકરીઓને છોડીને અલગ થઈ ગઈ હતી. જેના કારણે દિનેશ રાઠોડ છેલ્લા કેટલાક સમયથી માનસિક તાણ અને અવસાદમાંથી પસાર થઈ રહ્યો હતો.
માનસિક અસ્થિરતા અને ઘરેલુ પરિસ્થિતિ વચ્ચે આ અણધારી ઘટના બની હોવાનું પોલીસ દ્વારા પ્રાથમિક તારણ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ, ગ્રામજનો સહિત સગા-સંબંધીઓએ મૃતકના પરિવારને સાંત્વના આપી સહાનુભૂતિ વ્યક્ત કરી હતી, જ્યારે દોરા ગામમાં પણ આ ઘટના બાદ શોક અને ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું છે.