-
અંકલેશ્વરમાં ફરીએકવાર આગનો બનાવ
-
નેશનલ ફાયર સર્વિસ દિવસે જ આગ
-
પાનોલીની 2 કંપની ભડકે બળી
-
12 ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો
-
જલ એક્વા કંપનીમાંથી એક મૃતદેહ મળી આવ્યો
અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં બે કંપનીઓમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.12 જેટલા ફાયર ફાયટરોએ લગભગ છ થી સાત કલાકની જહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આજરોજ નેશનલ ફાયર સર્વિસ ડે ની ઉજવણી કરવામાં આવી રહી હતી તેવામાં અંકલેશ્વરમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વરની પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલી જલ એક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આ આગ બાજુમાં આવેલી બી. આર.એગ્રો નામની કંપનીમાં પણ ફેલાતા દોડધામ મચી જવા પામી હતી.
બનાવની જાણ થતાની સાથે જ એક પછી એક 10 થી 12 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. તો બીજી તરફ સેફ્ટી અને હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
કંપની તરફ જતા તમામ માર્ગો કોર્ડન કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.લગભગ છ થી સાત કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી. બંને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે .તો આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હતું.
જલ એક્વા કંપનીમાંથી એક મૃતદેહ મળી આવ્યો
આ તરફ ફાયર વિભાગની કુલિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જલ એક્વા કંપનીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. કંપનીમાં આગ દરમિયાન કામદારનું દાઝી જતા મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે.આ મામલે જીઆઇડીસી પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.