અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ અને ગણેશ મંડળો વચ્ચે બેઠક યોજાય હતી
દુંદાળાદેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગણેશ મહોત્સવ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ ઉત્સવ સમિતિના આગેવાનો તેમજ વિવિધ ગણેશ મંડળોના સભ્યો હાજર રહ્યા હતા. અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં ગણેશજીની આગમન યાત્રા અને ત્યાર બાદ દશ દિવસ સુધી ચાલનાર ગણેશ મહોત્સવ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વિવિધ સૂચનો પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા તો ગણેશ મંડળના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની પોલીસે ખાતરી આપી હતી