ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું ભવ્ય આયોજન
10માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2026નું આયોજન
સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલો પ્રભુતામાં ડગલાં માંડ્યા
સંતો-મહંતો સહિતના આમંત્રિત મહેમાનો રહ્યા ઉપસ્થિત
નવયુગલોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અર્પણ કરાય
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સતત સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજે તા. 8 ફેબ્રુઆરી-2026 રવિવારના રોજ દીવા રોડ પર આવેલ જૂની દીવી સ્થિત ગુપ્તા ફાર્મ ખાતે આયોજિત 10માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનો દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વરરાજા સહિત જાનૈયાઓ વાજતે ગાજતે લગ્ન સ્થળે પહોંચ્યા હતા, જ્યાં હિન્દુ ધર્મમાં લગ્ન પ્રસંગે કરવામાં આવતી તમામ ધાર્મિક વિધિ સાથે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો હતો. 51 જેટલા નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડી લગ્નજીવનની કેડી કંડારી છે.આ શુભ અવસરમાં અનેક દાતાઓ સહભાગી બન્યા છે, જેમાં પ્રોલાઈફ ફાઉન્ડેશન-અંકલેશ્વરના સ્વ. એમ.એસ.જોલીના પરિવાર દ્વારા લગ્ન પ્રસંગમાં ભાવતા ભોજનની સેવા પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસ, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા.