અંકલેશ્વરમાં બહાર આવ્યું કૌભાંડ
ભાડાના મકાનમાં બનાવવામાં આવતું હતું ડ્રગ્સ
બાથરૂમમાં લેબ તૈયાર કરવામાં આવી
ગુગલ પરથી જોઈ ડ્રગ્સ બનાવાતું હતું
એસ.ઓ.જી.એ આરોપીની કરી ધરપકડ
અંકલેશ્વર જીઆઇડીસીમાં ભાડાના મકાનમાં બાથરૂમમાં લેબ તૈયાર કરી એમડી ડ્રગ બનાવવામાં આવતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડા પાડી આ સમગ્ર નશાખોરી કૃત્યનો પર્દાફાશ કર્યો છે.
અંકલેશ્વર GIDC રેસીડેન્સીયલ વિસ્તારમાં ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મોટી કાર્યવાહી કરતાં ડ્રગ્સ બનાવતી ગેરકાયદે ફેકટરીનો પર્દાફાશ કર્યો છે.જીઆઈડીસીમાં આવેલ સિદ્ધ કો.ઓ. હા. સોસાયટીના બી બ્લોકમાં 301 નંબરના ભાડાના મકાનના બાથરૂમમાં ગુપ્ત લેબ તૈયાર કરવામાં આવી હતી. અહીં MD ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું.આ મામલે ફાર્મા કંપનીમાં કામ કરતો કેમિસ્ટ અનિલ રાખોલીયા નામનો વ્યક્તિ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી GIDC વિસ્તારમાંથી છૂટક રો મટીરીયલ લાવી ગૂગલ પરથી માહિતી મેળવી વિવિધ કેમિકલના મિશ્રણથી ડ્રગ્સ તૈયાર કરતો હતો.પોલીસે દરોડા દરમિયાન રૂ.2.44 લાખ કિંમતનું 74.88 ગ્રામ જેટલું MD ડ્રગ્સ તેમજ નોંધપાત્ર માત્રામાં રો મટીરીયલ કબ્જે કર્યું છે.પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.આરોપી ડ્રગ્સ બનાવી કોઈને સપ્લાય કરવાનો હતો એ દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.