ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિભાગીય પોલીસ વિભાગ દ્વારા શેઠના હોલ ખાતે ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતા ઇસમો વિરુદ્ધ થયેલી ફરિયાદનો નિકાલ કરવા અંગે લોક દરબાર યોજાયો હતો.
ભરૂચ જીલ્લામાં ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતાં ઇસમો સામે પગલાં લેવા અને લોકોમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુથી અંકલેશ્વર શહેર સ્થિત જીઇબી ઓફિસ નજીક શેઠના હોલ ખાતે અંકલેશ્વર ડીવાયએસપી ડો. કુશલ ઓઝાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો. જેમાં એ’ ડિવિઝન, બી’ ડિવિઝન તેમજ જીઆઈડીસી અને તાલુકા પોલીસ મથકમાં ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતાં ઇસમો વિરુદ્ધ પગલાં લેવા અને ફરિયાદનો નિકાલ કરવા સહિત જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,
જ્યારે લોક દરબારમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોએ અધિકારીઓને રજૂઆત કરી હતી. તો પોલીસ અધિકારીઓએ વ્યાજખોરોથી ત્રસ્ત લોકોને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી. આ લોક દરબારમાં અંકલેશ્વર નગરપાલિકા, વિવિધ બેન્ક સહિત તમામ પોલીસ મથકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.