માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું
શહેરી વિસ્તારોમાં વૃક્ષોને વિવિધ રંગોથી શોભાયમાન કરાશે
વિશેષ અભિયાનનો મહાનુભાવોના વરદ હસ્તે પ્રારંભ કરાયો
કાર્યક્રમમાં રાજ્ય મંત્રી ઈશ્વર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત
માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટની કામગીરીને નગરજનોએ બિરદાવી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરી વિસ્તારોમાં વૃક્ષોને વિવિધ રંગોથી વધુ શોભાયમાન કરવા માટેના વિશેષ અભિયાનનો રાજ્યમંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વેદ સુક્તિ સ્વચ્છતામાં પરમેશ્વરનો વાસ થાય છે, તે અનુસાર અંકલેશ્વરના માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટએ સામાજીક સુકાર્યો ઉપરાંત અંકલેશ્વર શહેરી વિસ્તારોને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના નવતર અભિગમ હાથ ધર્યો છે. જેમાં શહેરના જાહેર માર્ગો પર આવેલા વ્રુક્ષોને વિવિધ રંગોથી વધુ શોભાયમાન કરવા માટે નિર્ધાર કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર શહેરની જિનવાલા સ્કૂલ ખાતેથી આ અભિયાનનો રાજ્યમંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોઈપણ જાતના અંગત લાભની અપેક્ષા વગર પ્રજાની સાથે રહીને તેમના સહયોગથી “RETURN TO NATURE“ની ઉદ્દાર્ત ભાવનાઓને સાચા અર્થમાં નવપલ્લવિત કરવા માટે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ આગળ આવ્યું છે.
આ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વર પટેલ, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી ચેરમેન નિલેષ પટેલ, માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે અંકલેશ્વરના નગરજનોએ પણ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટની સરાહનીય કામગીરીને બિરદાવી ખૂબ પ્રસંસા કરી હતી.