ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત કલરવ શાળા ખાતે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત-ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા ઋતુજન્ય રોગ સામે લોકોને રક્ષણ મળે તે હેતુથી આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ ચાલી રહેલી વરસાદની સીઝનમાં ઋતુજન્ય રોગ વાયરલ ઇન્ફેક્શન, મેલેરિયા, ચામડીના રોગો સહિતના ઋતુજન્ય રોગના કેસ વધુ જોવા મળતા હોય છે. ઋતુજન્ય રોગના નિવારણ અર્થે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને નિયામક આયુષની કચેરી-ગાંધીનગર નિર્દેશિત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત-ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત કલરવ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો.
જેમાં 100થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં હોમિયોપેથીક ડૉકટર કેતન પટેલ, આયુર્વેદિક ડૉકટર ક્રિષ્ના ફણસિયા, કવિઠાના આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડૉકટર મનીષાબેન વાઢીયાએ પોતાની સેવાઓ આપી હતી. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, કલરવ શાળાના ટ્રસ્ટી પ્રવીણ મોદી, નિલા મોદી, શ્રી પરશુરામ સંગઠનના હરેશ પુરોહિત, રાજકુમાર દુબે, કિરણ જોશી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.