New Update
ગણેશ મહોત્સવની તૈયારીઓ
ભરૂચના દંપત્તીની અનોખી પહેલ
માટીની શ્રીજીની પ્રતિમાઓનો કરે છે શણગાર
પર્યાવરણ બચાવો- પરંપરા જાળવોનું સૂત્ર
પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાનો ઉપયોગ ટાળવા અનુરોધ
આવનારા દિવસોમાં દુંદાળા દેવા શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચનું દંપત્તી પર્યાવરણ બચાવો,પરંપરા જાળવોના સૂત્ર સાથે શ્રીજીની માટીની પ્રતિમાઓ કલાત્મક રીતે શણગારવાનું કાર્ય કરી રહ્યા છે.
ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં રહેતા હિતેશ લાલજી વાઘેલા અને તેમની પત્ની મનીષા વાઘેલાએ પોતાના નાનકડા ઘરેથી એક મોટુ પરિવર્તન લાવવાનો સંકલ્પ લીધો છે. ઘરમાં પગ મૂકતાં જ માટીની સુગંધ ભભુકે છે અને આંખે પડે છે શ્રદ્ધાથી શણગારેલી માટીના ગણેશજીની મૂર્તિઓ – જે માત્ર શણગાર નથી પરંતુ એક સંદેશ વહન કરે છે.ગણેશ વિસર્જન બાદ નદીઓમાં ભંગાતી POPની મૂર્તિઓના દ્રશ્યો આસ્થાને ઠેસ પહોંચાડે છે ત્યારે દંપતીએ મુંબઈથી ખાસ માટીની ગણેશમૂર્તિઓ મંગાવવાનું શરૂ કર્યું.
આ મૂર્તિઓને ઘરમાં જ કલાત્મક રીતે શણગારી અને વેંચવાની એક અનોખી પહેલ કરી.આજે એમનું ઘર નાનકડા શો રૂમમાં બદલાઈ ગયું છે, જ્યાં ભવ્ય શણગાર, શાંતિપૂર્ણ વાતાવરણ અને પર્યાવરણ બચાવવાનો સંદેશ દરેક મુલાકાતીને આકર્ષે છે.પર્યાવરણ બચાવો, પરંપરા જાળવો એમનું સૂત્ર છે. માટીની મૂર્તિઓથી વિસર્જન પછી પણ પાણી શુદ્ધ રહે છે અને જળચર જીવોને નુકસાન થતું નથી.