આમોદમાં ગેરકાયદે દબાણો સામે પાલિકાની કાર્યવાહી
પાલિકા પ્રમુખ પંકજ નાયકના માર્ગદર્શન હેઠળ કામગીરી
ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું
ભીમપુરા રોડ, જલારામ નગર વિસ્તારમાં કાર્યવાહી કરાય
પાલિકાની કામગીરીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ
ભરૂચ જિલ્લાના આમોદમાં ગેરકાયદેસર દબાણો સામે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમોદ પાલિકા પ્રમુખ પંકજ નાયકના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પાલિકા હદ વિસ્તારના ભીમપુરા રોડ પર કેબિન તથા પાકું બાંધકામ કરનાર બુટલેગરની મિલકત તોડી પાડવામાં આવી હતી. આ દરમિયાન તેમને ઘરવખરીનો સામાન બહાર કાઢવા માટે સમય આપવામાં આવ્યો હતો, અને બાકીનું બાંધકામ તેમની જાતે જ ઉતારી લેવા જણાવ્યું હતું.
ત્યારબાદ જલારામ નગર વિસ્તારમાં પણ એક વ્યક્તિ દ્વારા ઘરના આંગણે પતરા વડે કરાયેલું કાચું બાંધકામ નગરપાલિકાના JCB દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. સાથે સાથે વધારાનું ગેરકાયદેસર બાંધકામ માલિકે પોતાની જાતે જ ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ નગરપાલિકા વિસ્તારમાં એક પછી એક ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતા અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.