આમોદ નગરમાં અનેક ઠેકાણે ઉભારતું ગટરનું પાણી
ગટરનું દુર્ગંધયુક્ત પાણી ઉભરાતા નગરજનો ત્રાહીમામ
રોગચાળો ફાટી નીકળવાની નગરજનોમાં વર્તાય દહેશત
સ્થાનિકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો
વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ
ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં અનેક ઠેકાણે ભૂગર્ભ ગટરનું દુર્ગંધયુક્ત પાણી ઉભરાતા નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં આવેલા વોર્ડ નં. 3માં વણકરવાસમાં રામદેવપીર મંદિર પાસે છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. ભૂગર્ભ ગટરનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી મંદિર સામે જ રેલાઈ રહ્યું છે, જ્યાં સરકારી આંગણવાડી પણ આવેલી છે.
આંગણવાડીમાં જતાં નાના બાળકો તેમજ મંદિરે દર્શન કરવા જતાં દર્શનાર્થીઓને ફરજિયાત પણે ત્યાં ગંદા પાણીમાં થઈને પસાર થવું પડે છે, ત્યારે નાના બાળકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થઈ રહ્યો છે. આ ઉપરાંત ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને દર્શન કરવા જતા લોકોની આસ્થા પણ દુભાઈ રહી છે.
એક બાજુ તહેવારો પણ આવી રહ્યા છે. જેથી સ્થાનિકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે. અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર પરિણામ મળતું નથી, ત્યારે પાલિકા સત્તાધીશો તરફથી માત્ર ઠાલા વચનો સાંભળવા મળી રહ્યા છે.