હાલમાં ટેકનૉલોજિના સમયમાં ઓનલાઇન છેતરપિંડીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રૂ. ૧.૩૦ કરોડ ઉપરાંતની છેતરપિંડીનો ભેદ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઉકેલી કાઢી બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલ ફરીયાદી સાથે આરોપીઓએ પૂર્વ આયોજીત ગુનાહિત કાવતરૂ રચી ઓનલાઇન ગુગલ રીવ્યુ ટાસ્ક પૂર્ણ કરી રૂપિયા કમાવવાના બહાના હેઠળ લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઇને શરૂઆતમાં નાની નાની રકમની ચુકવણી કરી અલગ-અલગ સમયે કુલ રૂ. ૧,૬૩,૩૮૦/- રીવોર્ડ તરીકે આપી તથા ત્યારબાદ ટેલિગ્રામ ઉપર લિંક દ્વારા ડમી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ઇન્વેસ્ટમેન્ટ કરાવી મોટુ વળતર મેળવવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ અલગ-અલગ UPI આઇ.ડી. તથા અલગ-અલગ બેંક એકાઉન્ટમાં અલગ-અલગ સમયે કુલ રૂ. ૧,૩૨,૪૮,૦૦૦/- ટ્રાન્સફર કરાવી તથા વળતર પેટે ફરીયાદીના બેંક એકાઉન્ટમાં અમુક રકમ જમા કરાવવા બેંક ટ્રાન્જેકશન કર્યા અંગેના બનાવટી સ્ક્રીનશોટ મોકલી આપી તથા રૂ. ૧,૬૩,૩૮૦/- વળતર પેટે પરત આપી વિશ્વાસમાં લઇ પોતાની અસલ ઓળખ છુપાવી પરરૂપ ધારણ કરી ફરીયાદી સાથે કુલ રૂ. ૧,૩૦,૮૪,૬૨૦/-ની છેતરપીંડી કરી ગુનો કર્યો હતો. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ ગુનાના કામે મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી માહિતી મેળવવામાં આવેલ હતા. જેમાં આરોપીઓએ ફરીયાદી પાસેથી મેળવેલ નાણા બેંક એકાઉન્ટમાં જમા થયેલ તે નાણાકીય ટ્રાન્જેક્શનની માહિતી મેળવી ટેકનીકલ એનાલીસીસ કરી હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ઓનલાઇન ગુગલ રીવ્યુ ટાસ્ક જેવી મોડસ ઓપરેન્ડીથી છેતરપીડીં કરી ગુનો આચરતા ગેંગના બે સભ્યની ધરપકડ કરવામાં આવી હતી.