ભરૂચના નર્મદાનગર GNFC ટાઉનશિપ સ્થિત સ્પોર્ટ્સ ક્લબ ખાતે પોલીસ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમ લોકજાગૃતિ અભિયાન અંતર્ગત સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
GNFC, S&R ક્લબ અને ભરૂચ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ ભરૂચના નર્મદાનગર GNFC ટાઉનશિપ સ્થિત સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયો હતો. જેમાં 200થી વધુ લોકોઓએ હાજરી આપી હતી. હાલમાં ચાલી રહેલા અવનવા સાયબર ફ્રોડ જેવા કે, એટીએમ ક્લોનીંગ, જોબ ફ્રોડ, કેવાયસી, રોડ ટાસ્ક ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વગેરે જેવા સાયબર ફ્રોડ વિશે તથા આ પ્રકારના ફ્રોડથી બચવા શું તકેદારીઓ રાખવી તેમજ બાળકોને મોબાઇલના ઉપયોગથી થતા ગેરફાયદાઓ અને ખાસ મહિલાઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટ વાપરતી વખતે શું ધ્યાન રાખવું તે બાબતે ભરૂચ સાયબર સેલના અધિકારી મલ્કેશ ગોહિલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમને શ્રોતાઓએ ખૂબ જ ધ્યાન અને શાંતિપૂર્વક સાંભળ્યો હતો, અને આવા સમાજ ઉપયોગી કાર્યક્રમ અવારનવાર થાય તેવી સાયબર સેલને વિનંતી કરી હતી. આ પ્રસંગે GNFC સ્પોર્ટ્સ અને રીક્રિએશન ક્લબના પ્રેસિડેન્ટ પંકજ પુરોહિત, જનરલ સેક્રેટરી દક્ષેશ પંચોલી, કલ્ચરલ કન્વીનર કૌશલ મોદી તથા ક્લબના અન્ય સભ્યો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.