આટખોલમાં સુવિધાના અભાવે રહીશોને મુશ્કેલી
બિસ્માર રસ્તાના પરિણામે ભારે હાલાકી
ત્રણ વર્ષથી મંજુર માર્ગ પણ બન્યો નહીં
માર્ગ પરના નાળાની હાલત પણ છે ખરાબ
ગ્રામજનો સારા રસ્તા અને સુવિધાની કરી રહ્યા છે માંગ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના આટખોલ ગામનો મુખ્ય રસ્તો 2022માં મંજૂર થયો હોવા છતાં વર્ષ 2025 સુધી પણ કોઈ કામ શરૂ થયું નથી. પાંચ ગામના રહેવાસીઓને કાટમાળ જેવા રસ્તા પરથી પસાર થવું પડે છે, જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના આટખોલ ગામથી મુખ્ય રસ્તા સુધીના 4 કિમીના રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વરસાદ પડતા જ રસ્તા ઉપર મોટા ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે. વાહનચાલકોને પંકચર, ટાયર નુકસાન અને અકસ્માતનો ભય સાથે સફર કરવી પડે છે. વિદ્યાર્થીઓને ભણવા નેત્રંગ સ્કૂલ જવા-આવવા માટે પણ ભારે મુશ્કેલી ઉભી થાય છે.
ગામથી ચાસવડ જવા માટે આવશ્યક એવા નાળા પર છેલ્લા ત્રણ વર્ષથી કોઈ જ સમારકામ હાથ ધરાયું નથી.જેના કારણે આ નાળુ ભયજનક ભાસી રહ્યું છે.જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ નાળુ હજુ તૂટેલું છે, જેના કારણે ગ્રામજનોને 5 કિમીનો વધારાનો ફેરો ફરીને જવું પડે છે તે પણ ખરાબ રસ્તા પરથી પસાર થવું પડી રહ્યું છે.
આટખોલ ગામમાં ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બની છે. માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો અને પાણી નાળા પરથી ઓવરફ્લો થતા ગામ સંપર્ક વિહોણું બની જાય છે. આવા સમયમાં ઈમરજન્સી સેવા, આરોગ્ય સારવાર કે દૈનિક જરૂરિયાતની વસ્તુઓ મેળવવી પણ મુશ્કેલરૂપ બની જાય છે.સ્થાનિક લોકોએ સત્તાવાળાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેઓનો આક્ષેપ છે કે રજૂઆત છતાં રસ્તાના કામોને લઈને કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. લોકો માંગ કરી રહ્યા છે કે હવે રાહ જોવાની હદ પુરી થઈ ગઈ છે અને તાત્કાલિક રસ્તા અને નાળા માટે કામગીરી હાથ ધરવી જોઈએ.