જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલ હુમલાના વિરોધમાં ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથી આતંકવાદીઓ દ્વારા નિઃશસ્ત્ર હિંદુ યાત્રાળુઓની હત્યાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી તેમજ વળતરની માંગ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુઓને લઈને જતી બસ પર થયેલા આતંકવાદી હુમલામાં 10 તીર્થયાત્રીઓ મૃત્યુ પામ્યા હતા. ભારતમાં હિંદુ તીર્થયાત્રીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલા એ સ્પષ્ટ સંકેત છે કે, આજે પણ હિંદુ ધાર્મિક યાત્રાળુઓ સુરક્ષિત નથી. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બનતી રહી છે.
મણિપુર હિંસા, વધી રહેલો આતંકવાદ, પંજાબમાં આતંકવાદ અને જમ્મુની તાજેતરની ઘટના સ્પષ્ટ સંકેતો છે કે, દેશમાં આતંકવાદીઓનું મનોબળ વધી રહ્યું છે, ત્યારે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ આ ઘટનાથી ખૂબ જ દુઃખી થયું છે, ત્યારે હિન્દુઓની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારે જમ્મુ રિયાસીના મૃતકો અને ઘાયલોને યોગ્ય ન્યાય આપવો જોઈએ અને ઘટનાને અંજામ આપનારા આતંકવાદીઓને ઓળખીને તેમને મૃત્યુદંડની સજા આપવી જોઈએ, જેથી કરીને દેશમાં થઈ રહેલી આતંકવાદની ઘટનાઓને રોકવા માટે દેશમાંથી આતંકવાદનો ખાત્મો થઈ શકે. મૃતક શ્રદ્ધાળુઓના પરિવારને 50-50 લાખ રૂપિયા અને ઘાયલોને 10 લાખ રૂપિયા આપવામાં આવે તેમજ ધાર્મિક યાત્રિકોને પૂરતી સુરક્ષા આપવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેવી માંગણી કરવામાં આવી છે.