/connect-gujarat/media/media_files/4jAYoNk7hHWfXt55ocFl.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે કાછિયા પટેલ સમાજ દ્વારા જળ ઝુલણી એકાદશીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે જળ ઝુલણી એકાદશીની નિમિત્તે પરંપરાગત નકલદેવ ભગવાન તથા લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા શહેરમાં ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં કાછિયા પટેલ સમાજના ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. આ શોભાયાત્રા જંબુસર શહેરના મઢીવાળી ખડકીથી નીકળી નગરના રાજમાર્ગો પર ફરી હતી, અને યાત્રાનું સમાપન વિનોદભાઈ હરકિશનદાસ ગાંધીના નિવાસ્થાન દાજી બાવાના ટેકરે કરવામાં આવ્યું હતું. ભાદરવા સુદ અગિયારસ એટલે જળ ઝુલણી એકાદશી. આ અગિયારસનું મહત્વ કાછીયા પટેલ સમાજ માટે અનેરૂ હોય છે.
લાલજી મહારાજ અને નકલન દેવ ભગવાન નિજ મંદિરથી પાલખીમાં સવાર થઈ જંબુસરના ઐતિહાસિક નાગેશ્વર તળાવમાં ઝુલાવવામાં આવે છે, જ્યાં ભગવાન નાગેશ્વર તળાવમાં વિહરતા જોવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ભગવાનની આરતી કરી કાકડી-જાંબુડાનો પ્રસાદ કરવામાં આવ્યો હતો. તળાવથી બેન્ડબાજા અને સંગીતની સુરાવલીઓ સાથે પરંપરાગત ગણેશ ચોક, ઉપલી વાટ, કોટ દરવાજા સહિત શહેરના રાજમાર્ગો, સોની ચકલા થઈ દાજી બાવાના ટેકરે વિનોદ ગાંધીના નિવાસ્થાને ભગવાનનો ઉતારો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જંબુસર કાછિયા પટેલ પંચની વાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.