વાહન વ્યવહારને નિયંત્રિત કરવા સર્કલોનું નિર્માણ
કેટલાક સર્કલ જર્જરિત બનતા નવીનીકરણ કરાશે
રૂ. 30 લાખના ખર્ચે કસક સર્કલનું નવીનીકરણ કરાયું
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સર્કલનું લોકાર્પણ કરાયું
મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો-નગરજનોની ઉપસ્થિતી
ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલો બનાવવામાં આવ્યા હતા. જોકે, કેટલાક સર્કલ જર્જરિત હાલતમાં થઈ જવા પામ્યા હતા. જેના નવીનીકરણ માટેની જરૂરિયાત ઉભી થઈ હતી. તેવામાં નગરપાલિકા દ્વારા ગત સામાન્ય સભાની બેઠકમાં ભરૂચ શહેરના પાંચબત્તી રેલ્વે સ્ટેશન અને કસક સર્કલના નવીનીકરણ બાબતે ઠરાવ પસાર કરાયો હતો. જેમાં પ્રથમ પાંચબત્તી અને કસક સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે, તે અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો,
ત્યારે જે.બી.કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ-પાનોલીના સહયોગથી રૂ. 30 લાખના ખર્ચે ભરૂચના કસક સર્કલનું નવીનીકરણ કરી જે.બી.ફાર્મા ફુવારાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જે.બી.કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડના પ્રેસિડન્ટ અને ઓપરેશન ગ્રુપના કુણાલ ખન્ના, લેવેન્સ લેબ્સ પ્રા. લિમિટેડના ચેરમેન કમલેશ ઉદાણી, ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દમણ-દીવના પ્રભારી દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, પાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.