New Update
ભરૂચની આમોદ નગરપાલિકાનો પ્રશ્ન
વોર્ડ નંબર 4માં ઉભરાતી ગટરના દ્રશ્યો
સ્થાનિકો પારાવાર મુશ્કેલીમાં
નગરપાલિકા કચેરી પર મહિલાઓનો હલ્લો
ચીફ ઓફિસરની પ્રશ્નના નિરાકરણની ખાતરી
ભરૂચની આમોદ નગર પાલિકાના વોર્ડ નંબર 4માં દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચની આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.વારંવાર રજુઆત કરવા છતાં પરિણામ નહી મળતા આજ રોજ સ્થાનિક મહિલાઓએ મોરચો કાઢી પાલીકા કચેરીએ પહોચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી.
મારુવાસમાં ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે જેનાં કારણે દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી ફળિયામાં પ્રસરી જાય છે. બાળકો પણ રમતા હોય રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે સ્થાનિક મહિલાઓનો પાલિકા કચેરી સામે રોષ ફાટી નીકળ્યો હતો. મહિલાઓએ પાલીકા કચેરીમાં મુખ્ય અધિકારીની ચેમ્બરમાં ઘૂસી જઈ દુર્ગંધ મારતી ઉભરાતી ગટરો બાબતે ઉગ્ર રજુઆત કરી હતી.
આ અંગે મુખ્ય અઘિકારી પંકજ નાયકે નેશનલ હાઇવે નંબર ૬૪ પાસે ભૂગર્ભ ગટરની લાઈન ડેમેજ થઈ હોવાની કેફીયત રજૂ કરી મહિલાઓનો ગુસ્સો શાંત પાડ્યો હતો અને આવનારા દિવસોમાં પ્રશ્નના નિરાકરણની ખાતરી આપી હતી.