રમઝાન માસ વેળા શહેરના વિવિધ વિસ્તારોમાં થતો ટ્રાફિકજામ
ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત
પાલિકા વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ દ્વારા લેખિત રજૂઆત
ખાસ ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવા પોલીસ તંત્રને રજૂઆત કરી
માર્ગદર્શન, ડાયવર્ઝન અને પાર્કિંગ નિયંત્રણની વ્યવસ્થા કરવા માંગ
ભરૂચમાં રમઝાન માસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ બનાવવામાં આવે તેવી માંગ સાથે નગરપાલિકા વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ દ્વારા પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મુસ્લિમ બિરદારોના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે રમઝાન માસ દરમિયાન ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ઈફ્તાર તથા તરાવીહના સમય વેળા ટ્રાફિકનો ભારે ભાર સર્જાય છે. ખાસ કરીને ભરૂચ શહેરના ઢાળથી મદીના હોટલ વિસ્તારમાં, મોહંમદપુરાથી બાયપાસ માર્ગ, સિફા સર્કલ પાસે તેમજ ફાટાતળાવ-કતોપોર વિસ્તારમાં પણ સાંજના સમયે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થાય છે. જેના કારણે સામાન્ય જનતા, રોજદારો તેમજ વેપારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
વધુમાં આપાતકાલીન સેવા ધરાવતા વાહનોની અવરજવર પણ અવરોધિત થવાની શક્યતા રહે છે, ત્યારે શહેરના આ વિસ્તારોમાં રમઝાન માસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ બનાવવા માટે ખાસ ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવામાં આવે તેમજ જરૂરી માર્ગદર્શન, ડાયવર્ઝન અને પાર્કિંગ નિયંત્રણની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ નગરપાલિકા વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ દ્વારા પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે.