ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર
1.35 લાખ હેકટર જમીનમાં ઉભા પાકને નુકશાન
સરકાર દ્વારા જાહેર કરાયુ છે રાહત પેકેજ
ખેડૂતો કરી રહ્યા છે ઓનલાઈન અરજી
15 દિવસ સુધી ચાલશે અરજીની કામગીરી
રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સરકાર દ્વારા રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ રાહત સહાય પેકેજ અંતર્ગત 9,815 કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે ત્યારે કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતો કૃષિ રાહત પેકેજ-KRP પોર્ટલ પર ફોર્મ ભરી રહ્યા છે. તારીખ 14 મી નવેમ્બરથી પાક સહાય માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
શરૂઆતના બે દિવસ ઓનલાઇન પોર્ટલ ઠપ રહ્યા બાદ હવે સુચારુ રીતે આ પ્રક્રિયા ચાલી રહી છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં કુલ 2 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જે પૈકી કમોસમી વરસાદના કારણે 1.35 લાખ હેક્ટર જમીન એટલે કે 33 ટકા જમીનમાં ઉભા પાકને નુકસાન થયું હતું જેના 1 લાખ જેટલા અસરગ્રસ્ત ખેડૂતો છે ત્યારે ખેડૂતો દ્વારા ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવામાં આવી રહી છે.
વિવિધ ગ્રામ પંચાયતો પર આ કામગીરી હાલ ચાલી રહી છે. કૃષિ સહાય મેળવવા માટે ખેડૂતોએ 7/12ની નકલ,આધારકાર્ડ, તલાટીનો વાવેતરનો દાખલો, બેન્ક પાસબુક અને મોબાઈલ નંબર સહિતના દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે.આ કામગીરી 15 દિવસ સુધી ચાલશે. ઓનલાઇન અરજીની ચકાસણી થયા બાદ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સહાયની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.