/connect-gujarat/media/media_files/2025/01/20/LHuISgcR6gH5Pa7mD1Ey.jpg)
ભરૂચમાં અચરજભરી ઘટના સામે આવી છે. ચોરોને ચકમો આપવા એક પરિવારે પોતાના દાગીના ફ્રિજના બરફ બનાવવાના ડ્રોવરમાં આવતી પ્લાસ્ટીકની ડબ્બીમાં સંતાડ્યાં હતાં. જોકે, તસ્કરો પણ શેરના માથે સવાશેર સાબીત થયા હતા. ગઠિયાએ તેમનું ઘર ખુલ્લું હતું, ત્યારે ઘરમાં પ્રવેશી ફ્રિજમાંથી કુલ રૂ. 1.45 લાખના દાગીના ભરેલી ડબ્બી જ ઉડાવી ગયા હતા. પોલીસ તપાસમાં ચોંકવાનારો વળાંક આવ્યો હતો જેમાં બેરોજગાર બનેલા સાળાએ ઘરમાં હાથફેરો કર્યો હોવાનો ખુલાસો થયો છે. જેમાં પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ શહેર નંદેલાવ રોડ ઉપર આવેલી જલારામનગર સોસયટીમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. જેમાં જલારામ સોસયટીમાં રહેતા ફરિયાદી નિલેશ વિનુભાઈ ગુજ્જર માતાજીના દર્શન કરવા ગયા હતા. જેથી તેમની પુત્રીએ સોનાના દાગીના ફ્રીજમાં બરફ જમાવવાના ડ્રોવરમાં પ્લાસ્ટીકની ડબ્બીમાં મુક્યા હતા. તેઓ દર્શન કરીને પરત ઘરે આવીને જોતા ફ્રીજમાં મુકેલા તેના સોનાના દાગીના લેવા જતા પ્લાસ્ટિકની ડબ્બી ખોલતા તેમા દાગીના ન હતા. જેથી તેઓએ આ મામલે એ’ ડિવિઝન પોલીસ મથકમાં ફ્રીઝરમાં મુકેલા અલગ અલગ સોનાના દાગીના કુલ વજન 27.5 ગ્રામ જેની કિં.રૂ. 1,45,000 ના મત્તાની ચોરીની ફરિયાદ નોધાવી હતી. આ મામલે ભરૂચ LCB ની ટીમના પીએસઆઈ ડી.એ.તુવર અને તેમની ટીમે હ્યુમન સોર્સથી હકીકત મળેલ કે, જલારામ નગર સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીમાં ફરીયાદીના સગા સાળાની સંડોવણી છે, અને હાલ તે આમોદ તેના ઘરે છે.જે હકીકત આધારે એલ.સી.બી. ટીમે આમોદ ખાતે જઇ હેમંત પ્રજાપતી નામના ઇસમને પકડી વધુ પુછપરછ કરતા ભાગી પડ્યો હતો. જેમાં તેણે જણાવ્યુ હતું કે, વડોદરામાં સિક્યુરીટીની નોકરી કરતો હોય એક્સીડન્ટ થતા નોકરી છુટી ગઈ હતી, અને પત્ની સાથે સંઘર્ષ થતા વડોદરાથી આમોદ આવી છેલ્લા આઠેક મહીનાથી બેરોજગાર હોય પોતે આર્થીક સંકડામણમાં આવી ગયો હતો. જેથી ભરૂચ ખાતે રહેતી પોતાની નાની બહેન ડીસેમ્બરની અંતીમ તારીખોમાં ભરૂચ આવી હતી, ત્યારે બહેનના ઘરે ફ્રીઝરમાં દાગીના મુક્યા હોવાની હકીકત જાણતો હો, ત્યારે ઘરે એકાંત મળતા સોનાની જણસોની ચોરી કરી આમોદ જતો રહ્યો હતો. ત્યારબાદ તેણે ચોરીના દાગીનામાંથી વિંટી આમોદના એક સોનીને આપી રૂપીયા મેળવેલ તથા ચોરીમાંથી મળેલ સોનાની ચેન પાદરાના એક જ્વેલર્સમાં આપી રૂપીયા મેળવેલા અને ચોરીની કાનની બુટીની જોડ 01 વહેચવાની ફીરાકમાં હતો, અને પકડાય ગયો હતો. પોલીસે તેની પાસેથી કાનની બુટીની જોડ 01 તથા સોનાની ચેન આપી મેળવેલા રૂપિયા પૈકીના રોકડા રૂપીયા 48 હજાર મળી કુલ કિંમત રૂપિયા 88 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી હેમંત ચન્દ્રકાંતભાઈ પ્રજાપતિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.