સેવાયજ્ઞ સમિતિનો સેવાનો યજ્ઞ
જરૂરિયાતમંદ લોકો માટે સેવાનો સંકલ્પ
નર્મદા જિલ્લાના ગામોમાં ધખાવી સેવાની ધૂણી
4000 ધાબળા,કપડાં તેમજ વાસણોનું કર્યું વિતરણ
નર્મદા પરિક્રમાવાસીઓને પણ ધાબળાનું કર્યું વિતરણ
ભરૂચ સેવાયજ્ઞ સમિતિ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. જેમાં નર્મદા જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોને 4000 ધાબળા,1 ટન કપડાં અને વાસણોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે.
ભરૂચની સેવાયજ્ઞ સમિતિએ આ વર્ષે પણ માનવસેવાનું કાર્ય આગળ વધારતાં નર્મદા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં ધાબળા તથા જરૂરિયાતનાં કપડાં-વાસણોનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. સમિતિ દ્વારા કુલ 4000 નંગ ધાબળા અને એક ટન જેટલા જૂના કપડાં તથા વાસણો જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવ્યા હતા.
સંસ્થા દર વર્ષે ભરૂચથી દૂર આવેલા ગામોમાં સર્વે કાર્ય કર્યા બાદ શિયાળામાં ધાબળા વિતરણ કાર્યક્રમ યોજે છે. આ વર્ષે ગુજરાત, મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા શીશા, મોહબી, માલ, પાનખલા, સગાઈ, સામોટ અને કોકટી ગામોમાં ધાબળા પહોંચાડવામાં આવ્યા હતા. સાથે જ ડેડીયાપાડા નજીકની આશ્રમ શાળાના બાળકો અને નર્મદા પરિક્રમાવાસીઓને પણ ધાબળા આપવામાં આવ્યા હતા.
ભરૂચવાસીઓ પાસેથી 1 ટન જેટલા જુના કપડાં અને વાસણો એકત્ર કરી સંસ્થાએ અંતરિયાળ વિસ્તારોમાં આપ્યા હતા. આ સમગ્ર સેવાકાર્યમાં સેવાયજ્ઞના હેમંત પંચાલ, ઉત્સવ પટેલ, ભાવિની ભટ્ટ, એકતા પટેલ અને હેતલ પરીખ સહિતના સભ્યો જોડાયા હતા. તેમની સેવાના ભાવથી કાર્યક્રમ સફળ અને અસરકારક બન્યો હતો.