દેશવ્યાપી ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડ ઝડપાયું
SOGએ ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડનો કર્યો પર્દાફાશ
કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું હતું કૌભાંડ
ધો.10,12 અને ITIની ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ
પોલીસે એકની કરી ધરપકડ દિલ્હીનો શખ્સ વોન્ટેડ
અંકલેશ્વરમાંથી SOGની ટીમે દેશવ્યાપી ડુપ્લીકેટ માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો,અને રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
ભરૂચ SOGની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડુપ્લીકેટ માર્કશીટ અંગે પોલીસની બાતમી મળી હતી.જે ચોક્કસ બાતમીને આધારે SOGની ટીમે હેપ્પી કોમ્પ્લેક્સમાં આવેલ રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસમાં રેડ કરી હતી.પોલીસના દરોડામાં આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો,જેમાં જયેશ કિશનલાલ પ્રજાપતિ કોમ્પ્યુટર ક્લાસીસીની આડમાં ધોરણ 10,12 અને ITIની દેશવ્યાપી ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ આચરતો હોવાનો પર્દાફાશ થયો હતો.
પોલીસે જયેશ પ્રજાપતિની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.જેમાં જયેશ પ્રજાપતિ દિલ્હીના ઈસમ સાથે મળીને આ કૌભાંડને આયોજનબદ્ધ અંજામ આપતો હતો.જયેશ વિદ્યાર્થી દીઠ રૂપિયા 15000 લઈને દિલ્હીના ઈસમને રૂપિયા 7500 ચૂકવીને ડુપ્લીકેટ માર્કશીટ બનાવતો હતો.
પોલીસ તપાસમાં દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન તથા મહાત્મા ગાંધી ઇન્સ્ટીટયુટ ડાયરેક્ટોરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ ગુજરાત,તેમજ સેકન્ડરી સ્કૂલ એકઝામીનેશન-2021 સર્ટિફિકેટ તથા પ્રોવિઝનલ નેશનલ ટ્રેડ સ્ટેટમેન્ટ ઓફ માર્ક્સ ફોર AITT કંડક્ટેડ અંડર ઘી ટેકનોટેક ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનિકલ સાયન્સની ડુપ્લીકેટ માર્કશીટ/સર્ટિફિકેટ 21 નંગ મળી આવ્યા હતા,આ ઉપરાંત પોલીસે કોમ્પ્યુટર સહિતની સાધન સામગ્રી મળીને કુલ રૂપિયા 45000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને આ અંગે SOGએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી,અને દિલ્હીના ઈસમને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.