વર્ષ 2014માં શરૂ કરાય હતી ભૂગર્ભ ગટર યોજના
2025 સુધીમાં પણ ગટર લાઇનની અધૂરી કામગીરી
આજદિન સુધી આશરે 33 હજાર કનેક્શન અપાયા
પાલિકા વિસ્તારના લોકોને રૂ. 500 વેરાની નોટીસ
પાલિકાની નોટિસના પગલે લોકોમાં ભારે રોષ ફાટ્યો
ભરૂચ શહેરમાં વર્ષ 2014માં શરૂ થયેલી ભૂગર્ભ ગટર યોજના વર્ષ 2025 સુધીમાં પણ અધૂરી રહેતા નગરજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ભરૂચ શહેરમાં વર્ષ 2014માં શરૂ થયેલી ભૂગર્ભ ગટર યોજના હજુ સુધી અધૂરી જ રહી છે. જે અંગે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. 13 વર્ષથી વધુનો સમય પસાર થયા છતાં નગરપાલિકા દ્વારા માત્ર તબક્કાવાર રીતે જ કામ કરવામાં આવ્યું છે, અને આજદિન સુધી આશરે માત્ર 33 હજાર કનેક્શન આપવામાં આવ્યા છે. તો બીજી તરફ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા અનેક રહેણાંક વિસ્તારોમાં ગટર લાઈન જ નાખવામાં આવી નથી. જેના કારણે ત્યાં ગટર લાઇન કનેક્શનનું કોઈ જ કાર્ય થયું નથી. તેમ છતાં નગરપાલિકા દ્વારા આવા વિસ્તારોના નાગરિકોને રૂ. 500ના વેરાના નોટીસ ફટકારવામાં આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
આ મુદ્દે નાગરિકોએ વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના નગરસેવકોને રજૂઆત કરી હતી. જોકે, મામલો ગરમાતા શહેરમાં આ યોજના ફરીથી ચર્ચાનો વિષય બની છે. નાગરિકોએ પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા છે, અને કામગીરીમાં ગંભીર બેદરકારી હોવાનું જણાવ્યુ હતું. સમગ્ર મામલે પાલિકા પ્રમુખે પ્રાથમિક નિવેદન આપતાં જણાવ્યુ હતું કે, કોઈ નાગરિક પાસેથી વધુ રકમ વસૂલવામાં નહીં આવે, અને જો કોઈ વેરાની નોટિસમાં તકલીફ હોય તો તેને તાત્કાલિક સુધારવામાં આવશે. તેમ છતાં કાર્યની ધીમી ગતિને નાગરિકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.