કાંકરીયા પ્રાથમિક શાળાનો બનાવ
ધો.1થી 5માં અભ્યાસ કરે છે બાળકો
જોકે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે શાળા
બાળકોના ભવિષ્ય પર સર્જાયો પ્રશ્નાર્થ?
વધુ શિક્ષકોની ભરતી માટે ઉઠી માંગ
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકના અભાવે બાળકોનું ભવિષ્ય ચિંતાગ્રસ્ત બન્યું છે.ધો.1થી 5 સુધીની શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનીતિને લઈને વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે,આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ થકી પણ શૈક્ષણિક ક્ષેત્રે સરકાર પોતાની ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી રહી છે,ત્યારે બીજી તરફ નજર કરીએ તો હકીકત વિપરીત હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે ધોરણ 1 થી 5 માં અભ્યાસ માટે ફક્ત એક જ શિક્ષકની ફાળવણી કરવામાં આવતા બાળકોનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે. અને આ શિક્ષક પણ સરકારી મિટિંગમાં જવાનું હોવાથી ક્યારે સ્કૂલમાં બાળકોને અભ્યાસ કરાવશે તે પણ નક્કી હોતુ નથી.ગામમાં શાળા છે અને તેમાં બાળકો પણ છે પરંતુ શિક્ષકોની અપૂરતી વ્યવસ્થાએ બાળકોના ભવિષ્યનેચિંતાગ્રસ્ત બનાવી દીધું છે.
કાંકરિયા ગામના આગેવાન અને સરપંચ પતિ પ્રવીણ ઠાકોર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. અને અભ્યાસ અર્થે આવતા બાળકોને પણ શિક્ષણ મેળવવા માટેનો પ્રેમ હોવાથી વિદ્યાર્થીઓની પણ માંગણી છે કે તેમને બે થી ત્રણ શિક્ષકની ફાળવણી કરવામાં આવે,પરંતુ કાંકરિયા ગામમાં સરકારના મહત્વના ભણતર અંગેના સૂત્ર "સૌ ભણે અને સૌ આગળ વધે" નું પણ અહીંયા ઉલ્લંઘન થતું હોય તેમ જોવા મળી રહ્યું છે.
આ એક અતિ ગંભીર સમસ્યા આમોદ તાલુકાના કાંકરીયા ગામે સામે આવી છે.જ્યાં ધોરણ 1થી 5માં ફક્ત એક જ શિક્ષક ફરજ બજાવીને બાળકોને ભણાવી રહ્યા છે.જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.અને વહેલી તકે શાળામાં પૂરતા શિક્ષકોની ભરતી કરવામાં વે તેવી માંગ પણ ગ્રામજનો કરી રહ્યા છે.