આમોદમાં નગરપાલિકા દ્વારા મોટા તળાવનું બ્યુટીફિકેશન
કામગીરીમાં કોરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ
કોંગ્રેસ આગેવાન દ્વારા આક્ષેપ સાથે કરાય તપાસની માંગ
પાલિકા ચીફ ઓફિસર દ્વારા ખુલાસો આપવામાં આવ્યો
શંકાના પગલે કોન્ટ્રાક્ટરને નોટિસ અપાય : ચીફ ઓફિસર
ભરૂચ જિલ્લાના આમોદમાં નગરપાલિકા દ્વારા મોટા તળાવનું બ્યુટીફિકેશનની કામગીરીમાં કોરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ આગેવાને તપાસની માંગ કરી હતી. તો બીજી તરફ, આ મામલે પાલિકા ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ અપાય હોવાનો ખુલાસો પણ આપવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના આમોદમાં નગરપાલિકા દ્વારા મોટા તળાવના બ્યુટીફિકેશન માટે રૂ. 6 કરોડ 59 લાખના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ નવીનીકરણમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ દક્ષિણ ગુજરાત પ્રાદેશિક પાલિકા કમિશનરને કરવામાં આવી છે. આમોદ નગરમાં ગંદકી, સફાઈના અભાવ, ઉભરાતી ગટરો અને વિકાસકામોમાં ભ્રષ્ટાચારથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે કોંગ્રેસના આગેવાન કેતન મકવાણાએ તળાવ બ્યુટીફિકેશનના કામમાં ટેન્ડર મુજબના બદલે હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાના પુરાવા સાથે RTI અરજી, લેખિત ફરિયાદ સાથે તપાસની માંગ કરી હતી.
તો બીજી તરફ, કોંગ્રેસ આગેવાનની ફરિયાદ બાદ આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. આ મામલે પાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયકે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક વર્ષથી ચાર્જમાં છે, અને ટેન્ડર મુજબ જ કામગીરી થઈ હોવાનું કોન્ટ્રાક્ટરનું કહેવું છે. છતાં જ્યાં શંકા જણાઈ ત્યાં કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ હોવાનું તેઓએ ઉમેર્યું હતું, ત્યારે હવે સમગ્ર મામલે દક્ષિણ ગુજરાત પ્રાદેશિક પાલિકા કમિશનર શું પગલાં લેશે તે આવનારો સમય જ બતાવશે.