/connect-gujarat/media/media_files/2025/12/19/dgvcl-2025-12-19-15-59-35.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીના ગ્રામ્ય વિસ્તારોમાં DGVCL વિજિલન્સ વિભાગની 12 ટીમોએ વહેલી સવારે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું.જેના કારણે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જોકે આ ચેકીંગ દરમિયાન 10 લાખની વીજચોરી પણ ઝડપાઈ હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પંથકમાં આવતા ગામોમાં શુક્રવારે વહેલી સવારે DGVCLની વિજિલન્સ વિભાગની 12 ટીમોએ આકસ્મિક દરોડા પાડીને 10 લાખ ઉપરાંતની વિજચોરી ઝડપી પાડી હતી. શુક્રવારના રોજ વહેલી સવારે શિયાળાની ઋતુમાં લોકો મીઠી નિંદરમાં હતા,ત્યારે DGVCL વિજિલન્સ વિભાગની 12 ટીમો ત્રાટકી હતી, અને વિવિધ ગામોના વીજ જોડાણોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં રાજપારડી, વણાકપોર,તરસાલી,ભાલોદ, વિગેરે ગામોમાં વિજચોરી કરતા 18 જેટલા ગ્રાહકો પકડાયા હતા.
આ વીજચોરી કરતા ગ્રાહકોને 10 લાખ રૂપિયા ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો. DGVCL વિજિલન્સ વિભાગની 12 ટીમો તેમજ પોલીસ બંદોબસ્ત સાથે 13 જેટલા વાહનોના કાફલાએ કુલ 261 જેટલા વીજ જોડાણો તપાસ્યા હતા.જેમાં 18 જેટલા વીજ મીટરોમાં ચેડાં તેમજ અન્ય અવનવી તરકીબો વાપરી વિજચોરી બહાર આવી હતી.આકસ્મિક આવેલા વીજ ચેકિંગથી વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.