/connect-gujarat/media/media_files/2025/01/20/UYcZuBTjAUe3JBn6IEVJ.jpg)
ભરૂચ તાલુકાની ઝાડેશ્વર કુમાર શાળા ખાતે જિલ્લાકક્ષાની 'શાળા સલામતી સપ્તાહ-2025'ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં GSDMA દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ સામે સાવચેતી અને સલામતી વિષે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યમાં બહુવિધ આપત્તિઓના જોખમ સામે બાળકો સમજદારીપૂર્વક વલણ અપનાવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવાય તે હેતુથી દર વર્ષે રાજ્યમાં 'શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
GSDMA દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમા આપત્તિ સામે સાવચેતી અને સલામતી વિષે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે આજથી આગામી તા. 25 જાન્યુઆરી દરમિયાન સરકારી પ્રાથમિક શાળાઓમાં 'શાળા સલામતી સપ્તાહ-2025'ની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે સલામતી સપ્તાહ ઉજવણીના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યવ્યાપી કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
જે અંર્તગત ભરૂચ તાલુકાની કુમાર શાળા-ઝાડેશ્વર ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે, શાળામાં ફાયર ફાયટીંગ ડેમોન્સ્ટ્રેશન, 108/ઇન્ડિયન રેડક્રોસ દ્વારા પ્રાથમિક સારવારની તાલીમ, ભૂકંપ વિષયક પ્રેઝન્ટેશન, રોડ સેફટી, ઔદ્યોગિક એકમોના સેફટી અને ફાયર વિભાગના કાર્યક્રમનું ડેમોન્સ્ટ્રેશન પણ બાળકોને બતાવવામાં આવ્યું હતું. વધુમાં, માર્ગ સલામતિ સપ્તાહ અંતર્ગત સરકારશ્રીની યોજનાંઓ વિશે બાળકોને માહિતીગાર કરવામાં આવ્યા હતા.
અને પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી, કેવા પગાલા લેવા અંગે ચિત્ર, નિદર્શન અને માહિતી આપવામાં આવી હતી. તેમજ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને સંભવિત આપદાઓ સામે જાગૃત કરી બચાવ અંગે સક્ષમ બનાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મામલતદાર ડિઝાસ્ટર રાકેશ મોદી, ફાયર ઓફિસર ચિરાગ ગઢવી અને તેમની ટીમ, આરોગ્ય વિભાગ અને 108 ઇમરજન્સી વિભાગની ટીમ, તાલુકા શિક્ષણાધિકારી પરિમલસિંહ યાદવ, શાળાના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.