જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું આયોજન
“માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ” અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો
શિક્ષકો માટે માઇન્ડફુલ થેરાપી સત્રનું આયોજન કરવામાં આવ્યું
સંગીત તજજ્ઞ ડો. ખુશ્બુ શાહ-ટીમ દ્વારા "ડ્રમ સર્કલ" કાર્યક્રમ
શિક્ષકોને ડ્રમ આપી "ઈન ધી મોમેન્ટ" સંગીતનું સર્જન કરાવ્યુ
દરેક શિક્ષકો માટે ડ્રમ પર્ફોર્મન્સ થેરાપીનો રહ્યો સુખદ અનુભવ
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે “માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ” અંતર્ગત શાળાના શિક્ષકો માટે ડ્રમ પર્ફોર્મન્સ થેરાપીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્તમાન સમયમાં શિક્ષણ હોય કે, ધંધા-રોજગારમાં પણ સ્પર્ધાત્મક વાતાવરણ હોવાના કારણે મનુષ્યમાં સામાન્યત: માનસિક તણાવમાં વધારો થાય છે. આપણાં જીવનમાં માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, અને સંગીત સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં પણ ડ્રમ વગાડવાથી મનુષ્યમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે.
સાંપ્રત આર્થિક, સામાજિક, વ્યાવસાયિક પરિસ્થિતિના કારણે ઉદભવતા તણાવમાંથી મુક્ત થવા માટે ભરૂચની ખ્યાતિ પ્રાપ્ત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા શાળાના શિક્ષકો માટે વિશેષ સેમીનાર યોજાયો હતો. જેમાં સંગીત તજજ્ઞ ડો. ખુશ્બુ શાહ અને તેમની ટીમ દ્વારા "ડ્રમ સર્કલ"નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શાળાના શિક્ષકગણ સહિતના કાર્મચારીઓને એક જુથમાં બેસાડી સૌથી સરળ શબ્દોમાં ડ્રમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ત્યારબાદ દરેક શિક્ષકને અલગ ડ્રમ આપી એકસાથે થાપ મારીને "ઈન ધી મોમેન્ટ" સંગીતનું સર્જન કરાવ્યુ હતું. ડ્રમ પર્ફોર્મન્સ થેરાપીનો દરેક શિક્ષકો માટે સુખદ અનુભવ રહ્યો હતો. જેમાં માનસિક ત્રાસદી, કંટાળાને ક્રમશ: દૂર કરી આહલાદક, આનંદદાયક સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સંગીત ધ્યાનાત્મક અવસ્થાનું સર્જન કરે છે, પરસ્પર મિત્રતાને સુદ્રઢ બનાવે છે અને આત્મીયતાનો સાક્ષાત્કાર કરે છે, ત્યારે વ્યાવસાયિક સ્તરે કર્મચારીઓમાં નેતૃત્વના ગુણોમાં પણ વૃદ્ધિ થાય છે.
આ પ્રસંગે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર સહિત તમામ વિભાગના આચાર્યો તેમજ મોટી સંખ્યામાં શિક્ષકોએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સંગીત તજજ્ઞ ડો. ખુશ્બુ શાહ અને તેમની ટીમ દ્વારા આપવામાં આવેલ મૂલ્યવાન જ્ઞાન અને સમય માટે શાળા પરિવારે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.