New Update
અંકલેશ્વર શહેરમાં વિસર્જન દરમિયાન બની ઘટના
પોલીસકર્મી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો
ઈજાગ્રસ્ત પોલીસકર્મી સારવાર હેઠળ
પોલીસે કરી હુમલાખોરની ધરપકડ
આરોપી અગાઉ પણ પોલીસ પર કરી ચુક્યો છે હુમલો
અંકલેશ્વર શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન ભરૂચીનાકા પાસે પોલીસકર્મી પર એક માથાભારે શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી,જોકે હુમલાખોરની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
અંકલેશ્વર શહેરમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા શાંતિ પૂર્ણ માહોલમાં ચાલી રહી હતી,તે દરમિયાન ભરૂચીનાકા પાસે પોલીસ બંદોબસ્તમાં ફરજ પર રહેલા પંચાટી પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ લલિત પુરોહિત પર મહેન્દ્ર શંકરભાઈ વસાવાએ જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં બન્યું કંઈક એવું હતું કે શહેરના ભરૂચીનાકા પાસે વિસર્જન યાત્રા જોવા માટે ભારે ભીડ ઉમટી હતી,અને તે દરમિયાન મહેન્દ્ર વસાવા જાહેરમાં અપશબ્દો બોલતો હતો,જેને પોલીસકર્મી લલિત પુરોહિત દ્વારા અટકાવવામાં આવતા મહેન્દ્ર વસાવા ઉશ્કેરાઇ ગયો હતો અને પોલીસકર્મી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો.તેમજ મહેન્દ્ર વસાવાએ પોતાની પાસે રહેલા ચપ્પા જેવા તીક્ષ્ણ હથિયાર કાઢીને પોલીસકર્મીના પેટ તેમજ હાથના ભાગે ઘા કરીને ઈજા પહોંચાડી હતી.સર્જાયેલી ઘટનામાં અન્ય પોલીસકર્મીઓ દોડી આવીને મહેન્દ્ર વસાવાની ધરપકડ કરીને જેલ ભેગો કરી દીધો હતો,જ્યારે ઈજાગ્રસ્ત પોલીસકર્મી લલિત પુરોહિતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ અંગે અંકલેશ્વર શહેર પોલીસે આરોપી મહેન્દ્ર વસાવા વિરુદ્ધ હત્યાના પ્રયાસ,ફરજ પર પોલીસકર્મી પર હુમલા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે મહેન્દ્ર વસાવાએ અગાઉ વર્ષ 2016માં પણ પોલીસકર્મી પર હુમલો કર્યો હતો,જે કેસમાં કોર્ટ દ્વારા આરોપી મહેન્દ્ર વસાવા વિરુદ્ધ નોનબેલેબલ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. અને પંચાટી પોલીસ ચોકી દ્વારા ત્રણ મહિના પહેલા જ વોરંટની બજવણી કરવામાં આવી હતી.
Latest Stories