/connect-gujarat/media/media_files/2025/11/06/crocodile-2025-11-06-17-08-24.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મહાપુરા ગામના એક ખેતરમાં મગર દેખાતા સ્થાનિકોમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મહાપુરા ગામે રાવજીભાઈ સનાભાઈના ખેતરમાં મગર જોવા મળ્યો હતો. જોકે, મગરને જોઈ રાવજીભાઈએ હિંમત દાખવી મગરને જાળમાં પકડી પાડ્યો હતો. બનાવની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં મગરને કબજામાં લઈ મેડિકલ તપાસ કરી તેને સહી સલામત સ્થળે મુક્ત કરવાની કામગીરી હાથ ધરી હતી.
વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, આવી પરિસ્થિતિમાં મગર અથવા જંગલી પ્રાણીઓને જાતે પકડવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તેના બદલે તરત જ ફોરેસ્ટ વિભાગને જાણ કરવી જોઈએ, જેથી કોઈ જાનહાનિ ન થાય અને પ્રાણીની પણ સુરક્ષા જાળવી શકાય તેમ છે.