ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી
વાજપેયીજીની 100મી જન્મજયંતિ કરાશે ઉજવણી
ગુજરાત સરકાર દ્વારા ‘સુશાસન સપ્તાહ’નું આયોજન
રાજ્ય સરકારની યોજના લોકો માટે આશીર્વાદરૂપ
ગ્રામીણ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું
ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિના અવસરે ગુજરાત સરકાર દ્વારા ‘અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’ના ધ્યેય સાથે ‘સુશાસન સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ગ્રામીણ મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહી છે.
ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે 25 ડિસેમ્બર-2025’ના સમગ્ર દેશમાં 'સુશાસન દિવસ'ની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ ‘અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’ના ધ્યેય સાથે ‘સુશાસન સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ગ્રામીણ મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહી છે, ત્યારે આ સપ્તાહના ત્રીજા દિવસની થીમ ‘લખપતિ દીદી અને નમો ડ્રોન દીદી યોજના’ રાખવામાં આવી છે.
બનાસકાંઠાના ડીસા તાલુકાનું તાલેપુરા ગામ આજે નારી શક્તિના નવા આયામનું સાક્ષી બન્યું છે. ‘નમો ડ્રોન દીદી’ યોજના હેઠળ આશા ચૌધરીએ આધુનિક ટેકનોલોજી અપનાવી ખેતીમાં પ્રગતિશીલ કદમ માંડ્યું છે. તેમણે ખેતરોમાં ડ્રોન દ્વારા દવા છંટકાવની વિશેષ તાલીમ મેળવી છે. તેઓ પરંપરાગત ખેતીને આધુનિક ખેતીમાં પરિવર્તિત કરી રહ્યા છે.
આ યોજના અંતર્ગત મળેલી અંદાજે ૧૭ લાખ રૂપિયાની ડ્રોન કિટ શ્રી આશાબેન માટે સ્વરોજગારનું સબળ માધ્યમ બની છે. આ આધુનિક સાધન દ્વારા તેઓ માત્ર આત્મનિર્ભર જ નથી બન્યા, પરંતુ પરિવારની આર્થિક ઉન્નતિમાં પણ પાયાનું યોગદાન આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચેલી યોજના સુશાસનનું ઉદાહરણ પૂરું પાડે છે, ત્યારે લાખો મહિલાઓ આજે ટેકનોલોજીના સહારે 'લખપતિ દીદી' બનવા તરફ મક્કમ ડગ માંડી રહી છે.