/connect-gujarat/media/media_files/2025/09/09/check-return-case-2025-09-09-17-37-46.jpg)
અંકલેશ્વરમાં ચેક રિટર્ન કેસમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. અને 60 દિવસમાં ફરિયાદીને રૂપિયા 11 લાખ પરત કરવા માટેનો પણ હુકમ કોર્ટે કર્યો હતો.
જાણવા મળતી વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઇડીસીના માનવ મંદિર પાસે આવેલ જય ભવાની સ્વીટ્સના રાજપુરોહિત હસ્તીસિંઘ નારાયણસિંઘને કનક પેઈન્ટના રાજનાથ પારસનાથ શુકલા સાથે મિત્રતાના સંબંધ હતા,અને હસ્તીસિંઘે તેઓને વડોદરામાં સસ્તામાં મળતી મિલકત ખરીદીને તેમાં વધુ નફો મળવાની વાત કરીને વિશ્વમાં લીધા હતા,અને હસ્તીસિંઘે રોકાણ માટે રૂપિયા એક કરોડની માતબર રકમ એકાઉન્ટ મારફતે મેળવી હતી. જોકે સમય અવધિ વીત્યા બાદ પણ મિલકત અંગેની કોઈ ચોક્કસ માહિતી ન મળતા આ અંગે રાજનાથ શુકલા દ્વારા હસ્તીસિંઘને પૂછવામાં આવતા તેઓએ અન્ય મિલકતમાં રોકાણ કર્યું હોવાનું જણાવીને રાજનાથ શુકલાને વિશ્વાસ અપાવ્યો હતો.
જોકે કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન ભારતના ગૃહમંત્રી અમિત શાહના નામના ખોટા લેટર પેડ બનાવીને ખોટા કૃત્યમાં હસ્તીસિંઘ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો,તેથી રાજનાથ શુક્લને હસ્તીસિંઘ પરનો વિશ્વાસ ગુમાવ્યો હતો અને તેઓએ સાથે કંઈક ખોટું બન્યું હોવાનો અણસાર તેમને આવ્યો હતો.
જોકે આ ઘટનામાં હસ્તીસિંઘે રાજનાથ શુક્લાને રૂપિયા 11 લાખનો ચેક આપ્યો હતો.જે ચેક તેઓએ બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો.તેથી રાજનાથ શુકલાના દીકરી પ્રિયા શુકલા દ્વારા એડવોકેટ જે.બી.પંચાલના માધ્યમથી અંકલેશ્વરની કોર્ટમાં રાજપુરોહિત હસ્તીસિંઘ વિરુદ્ધ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબ કેસ દર્જ કરાવ્યો હતો. અને આ કેસ અંકલેશ્વરના એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ વી.આર.સોલંકીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે વકીલ જે.બી.પંચાલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને બે વર્ષની સાદી કેદની સજા અને 60 દિવસમાં ફરિયાદીને આપવાના નાણા રૂપિયા 11 લાખ કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કર્યો હતો,જો આ સમય અવધિમાં આરોપી કોર્ટમાં રૂપિયા જમા ન કરી શકે તો વધુ ત્રણ માસની સાદી કેદનો હુકમ કોર્ટે કર્યો હતો.