New Update
/connect-gujarat/media/media_files/2025/06/24/bharuch-jail-2025-06-24-13-17-23.jpg)
ભરૂચ જિલ્લા જેલમાં બંદીવાનોએ હાઉસ વાયરિંગ તાલીમ પૂર્ણ કરતા મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદના માર્ગદર્શન હેઠળ અને ભરૂચ જિલ્લા જેલના અધિક્ષકના નેતૃત્વમાં પ્રયાસ સંસ્થા ભરૂચના સહયોગથી જેલમાં બંદીવાન ભાઇઓ માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ એ રહ્યો કે, બંદીવાનોએ હકારાત્મક અભિગમ અપનાવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે તથા તેમને ભવિષ્યમાં સ્વરોજગારી માટે તૈયાર કરી શકે.
આ અન્વયે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા (આરસેટી), ભરૂચ દ્વારા હાઉસ વાયરિંગની તાલીમ વર્ગ યોજાયો હતો. જે તાલીમની પુર્ણાહુતી કાર્યક્રમમાં આરસેટીના ડિરેક્ટર હર્ષિલ જી. પાટીલ તથા પ્રયાસ સંસ્થાના સામાજિક કાર્યકર આશિષ બારોટની વિશિષ્ટ ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર બંદીવાનોએ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. હાઉસ વાયરિંગ તાલીમમાં અનેક બંદીવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, અને કૌશલ્ય વિકાસ દ્વારા નવી દિશામાં જીવન આગળ વધારવા માટે તૈયારી દર્શાવી હતી.