-
લેબર કોન્ટ્રાક્ટર સાથે છેતરપિંડીનો મામલો
-
રૂ.54 લાખની આરોપીએ કરી હતી છેતરપિંડી
-
પોલીસ તપાસમાં ઘટનામાં આવ્યો નવો વળાંક
-
જ્યોતિષના ચક્કરમાં ગુમાવ્યા કરોડો રૂપિયા
-
પોલીસે કરી જયપુરથી જ્યોતિષની ધરપકડ
ભરૂચના દહેજમાં લેબર કોન્ટ્રાકટનો ધંધો કરતા કોન્ટ્રાક્ટર સાથે થયેલી 54 લાખ રૂપિયાની છેતરપીંડીના ગુન્હામાં નવો વળાંક આવ્યો હતો,પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી હતી,જેમાં આરોપીએ રાજસ્થાનના જ્યોતિષના ચક્કરમાં રૂપિયા ગુમાવ્યા હોવાનું બહાર આવ્યું હતું,તેથી પોલીસે ઠગ જ્યોતિષની ધરપકડ કરી હતી.
ભરૂચના મોટા ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા દહેજમાં ભૂમિ ડેવલોપર્સ નામથી લેબર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ચલાવતા કોન્ટ્રાક્ટર સાથે એકાઉન્ટન્ટ લલિત રમણભાઈ પટેલ દ્વારા રૂપિયા 54 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.
જેમાં લલિતે કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવેલા સહી કરેલા 12 જેટલા ચેકનો ઉપયોગ કરીને રૂપિયા 54 લાખ ઉપાડી લીધા હતા,જે ઘટના અંગે કોન્ટ્રાકટર દ્વારા ભરૂચ A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી,અને પોલીસે લલિતની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.
જેમાં લલિતે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે રાજસ્થાનના જયપુરમાં રહેતા જ્યોતિષ તરૂણ ઉર્ફે તરૂણ આચાર્ય ઉર્ફે ટારઝન દુલીચંદ શર્માને આંગડિયા પેઢી તેમજ બેંક એકાઉન્ટ મારફતે આશરે 4 કરોડ 50 લાખ રૂપિયા છેલ્લા બે વર્ષમાં આપ્યા હોવાની હકીકત જાણવા મળી હતી. જેના આધારે પોલીસે રાજસ્થાનના જયપુર ખાતેથી કહેવાતા જ્યોતિષ તરૂણની ધરપકડ કરી હતી.
અને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવતા તરૂણ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ન્યુઝ પેપરના માધ્યમથી હિન્દુ નામ એસ્ટ્રોલોજર તરૂણ આચાર્ય થતા મુસ્લિમ નામ મોલવી સુલ્તાન ચિસ્તી તરીકે ભારતના ઘણા રાજ્ય તથા વિદેશમાં વસતા ઘણા લોકો સાથે ઓનલાઇન એપ્લિકેશન દ્વારા વિવિધ પ્રોબ્લેમના સોલ્યુશન માટે કરોડો રૂપિયા પોતાના તથા સંબંધીઓના બેંક એકાઉન્ટમાં થતા આંગડિયા મારફતે રૂપિયા પડાવી લેવાની મોડ્સ ઓપરેન્ડીસ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.હાલ આરોપી ભરૂચ A ડિવિઝન પોલીસની કસ્ટડીમાં છે અને જ્યોતિષ દ્વારા આચરવામાં આવેલા વધુ કારસ્તાનો બહાર આવે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં.