ભરૂચ : દહેજ ખાતે PCPIR ઝોનમાં ખેતીની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ સામે રોષ,કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

દહેજ ગામમાં PCPIR ઝોન હેઠળ આવેલી 73-એએ પ્રકારની ખેતીલાયક જમીનમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ છે

New Update
  • દહેજ ખાતે PCPIR ઝોનમાં જમીનમાં ખોદકામનો મામલો

  • ખેડૂતની મંજૂરી વગર ગેરકાયદેસર ખોદકામનો આક્ષેપ

  • કામગીરી સામે ખેડૂતોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી

  • ખેડૂત દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

  • જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ  

ભરૂચ જિલ્લાના દહેજ ખાતે PCPIR ઝોનમાં ખેતીની જમીનમાં માલિકની મંજૂરી વિના ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવ્યા છે,જેના પગલે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના દહેજ ગામમાં PCPIR ઝોન હેઠળ આવેલી 73-એએ પ્રકારની ખેતીલાયક જમીનમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ છે.જેને લઇને સ્થાનિક ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે.ખેડૂત અજીત વસાવાના જણાવ્યા મુજબસર્વે નંબર 465ની આ જમીન તેમની માલિકીની છે અને સરકાર દ્વારા ખેતી હેતુ માટે ફાળવવામાં આવેલી છે.તેમ છતાં દહેજ વિસ્તારમાં સક્રિય ભૂમાફિયાઓએ માલિકની પરવાનગી વિના અંદાજે 15થી 20 ફૂટ સુધી ઊંડું ખોદકામ કરી જમીનને સંપૂર્ણપણે બિનખેતીલાયક બનાવી દીધી છે.

ખેડૂતોનો આરોપ છે કે આ સમગ્ર ખોદકામ અમુક ભૂમાફિયા અને અસામાજિક તત્વોની મિલીભગતથી કરવામાં આવ્યું છે. વધુ ચોંકાવનારી બાબત એ છે કે PCPIR ઝોન તથા સરકારી પટ્ટાની જમીનમાં ખોદકામ માટે જરૂરી કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી લેવામાં આવી નથી.આસપાસની અન્ય જમીનોમાં પણ આ રીતે ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

ખોદકામના કારણે ખેતીને નુકસાન પહોંચ્યું છે,તેમજ પર્યાવરણ અને ભૂગર્ભ જળ સ્તર પર પણ ગંભીર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે ખેડૂત દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

Latest Stories