ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસીના જોગર્સ પાર્ક ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ બાદ તેઓ સાથે રાજસ્થાન સમાજના અગ્રણીઓએ ટૂંકી પણ યાદગાર મુલાકાત કરી હતી,અને જળ સંરક્ષણ મુદ્દે વિશેષ ચર્ચા વિચારણા કરી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી ખાતે જોગર્સ પાર્ક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની સુંદર પ્રતિમાનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું,જોકે આ કાર્યક્રમ બાદ અંકલેશ્વરમાં વેપાર રોજગાર અર્થે સ્થાયી થયેલા રાજસ્થાન સમાજના અગ્રણીઓ સાથે પણ તેઓએ એક મુલાકાત કરી હતી.
અંકલેશ્વર જીઆઇડીસીના સરદાર પાર્ક ખાતે સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ પ્રકાશ.જી.રાવલ, કે.આર.જોષીના આમંત્રણ પર આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા, સી.આર.પાટીલે રાજસ્થાનના નગરોમાં ચાલી રહેલા જળ સંરક્ષણ પ્રયાસોને સમર્થન આપ્યું હતું, અને જળ સંરક્ષણ અને વિકાસ યોજનાઓ અંગે ચર્ચા કરી લોક સહકાર અને પરંપરાગત જળસ્ત્રોતોનું સંરક્ષણ રાજસ્થાનનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તે વાત પર ભાર મુકયો હતો.
અને સી.આર.પાટીલ રાજસ્થાનમાં આ ભગીરથ કાર્યને શરૂ કરનાર અગ્રણીઓને મળ્યા હતા.અને રાજસ્થાનમાં પાણી બચાવવાની પ્રતિજ્ઞા લઈને પોતપોતાના વિસ્તારના ગામોને દત્તક લેનાર અને માનવ સેવામાં આપેલા યોગદાન બદલ સૌની પ્રશંસા કરી હતી.
આ દરમિયાન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,અને જીજ્ઞેશ પાટીલ પણ હાજર રહ્યા હતા.પ્રકાશ રાવલ, કે.આર.જોશી અને અર્જુન રાજપુરોહિત સાથે તેમના મિત્રો દ્વારા સી.આર.પાટીલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજસ્થાનના ગામોને જળ સંચય માટે દત્તક લેનાર પ્રકાશજી રાવલ, જિલ્લો ગામ સેવડા,સિરોહી,કે.આર.જોશી બાસરાયણ,જિલ્લો ચુરૂ,અર્જુન રાજપુરોહિત દ્વારા તિવારી ગામ,બજરંગ સારસ્વત દ્વારા નોસરીયા રતનગઢ,અને સંદીપ શર્મા તેમજ તમામ ઉદ્યોગપતિ રાજસ્થાની ભાઈઓ દ્વારા આ ભગીરથ કાર્યને ઉપાડવામાં આવ્યું છે.
જેમાં ખાસ કરીને દલપતસિંહે એકલા હાથે જળ સંચય માટે 200 ગામ દત્તક લીધા છે,અને આમ અંદાજિત રાજસ્થાનના 215થી વધુ ગામોમાં જળ સંચય અર્થે આ ભગીરથ કાર્યને કરવાના સંકલ્પ સાથે આ રાજસ્થાની ભામાશાઓ દ્વારા કામગીરી ઉપાડવામાં આવી છે.