ભરૂચમાં રસ્તાઓની સફાય માટે ફાયર ટેન્ડરનો ઉપયોગ
કસક વિસ્તારમાં ચીકણી માટી સાફ કરવા ફાયર ટેન્ડર મોકલાયું
ફાયર ટેન્ડરનો ઉપયોગ સફાઈ માટે થતા વિવાદ
ચીફ ફાયર ઓફીસરનું નિવેદન આવ્યું સામે
પ્રમુખના આદેશથી ફાયર ટેન્ડર મોકલાયું હતું
ભરૂચમાં ફાયર બ્રિગેડનો ઉપયોગ આગ ઓલવવા નહીં પણ રસ્તાની સાફ સફાઈ માટે કરવામાં આવ્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ભરૂચમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ ચીકણા થઈ જતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. શહેરના કસક વિસ્તારમાં ચીકણા રસ્તા પર ટુવિલર સ્લીપ થઈ જવાની ઘટના બની હતી.
આ અંગેની જાણ નગર સેવાસદનને કરાતા નગર સેવાસદને સાફ-સફાઈ માટે કામદારો નહીં પરંતુ ફાયર બ્રિગેડ મોકલ્યું હતું.ફાયર બ્રિગેડના જવાનોએ ફાયર ટેન્ડરની મદદથી ચીકણા રસ્તા સાફ કર્યા હતા. જેનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારે ફાયર બ્રિગેડ આવા કામો માટે હોય છે કે કેમ તે સહિતના પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.
આ મામલે ભરૂચ નગર સેવાસદનના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીનું નિવેદન સામે આવ્યું છે. ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું કે સામાન્ય વરસાદના કારણે ચીકણી માટી રોડ પર ફેલાતા વાહનો સ્લીપ થઈ જવાના બનાવ બન્યા હતા જેના પગલે સ્થાનિકો અને નગર સેવાસદનના પ્રમુખનો ફોન આવતા ફાયર ટેન્ડર મોકલી સાફ-સફાઈ કરવામાં આવી હતી.