-
જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું
-
વુમન સેફટી-સાયબર સિક્યોરિટી વિષય પર સેમિનાર યોજાયો
-
મહિલા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું
-
મહિલા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રહ્યા ઉપસ્થિત
-
શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું માર્ગદર્શન
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વુમન સેફટી એન્ડ સાયબર સિક્યોરિટી વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ મહિલા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી આહીર સહિત તેઓની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ તેમજ રોજબરોજ સામે આવતા મહિલા અત્યાચારોના નિરાકરણ માટે ગુજરાત પોલીસ સજ્જ બની છે. જેમાં પોલીસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને મહિલા સુરક્ષા તેમજ સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન મળે તે હેતુથી સેમિનારોનું પણ આયોજન કરવામાં આવે છે.
ત્યારે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સહકારથી ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વુમન સેફટી એન્ડ સાયબર સિક્યોરિટી વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારના પ્રારંભે શાળા પરિવાર દ્વારા સૌ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ મહિલા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી તથા પોલીસ વિભાગની મહિલા શી’ ટીમ દ્વારા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને વક્તવ્ય આપી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજિત વુમન સેફટી એન્ડ સાયબર સિક્યોરિટી સેમિનાર દરમ્યાન સ્ત્રીઓની સલામતી માટે લેવામાં આવતા વિવિધ પગલાં વિશે વિડીયોના માધ્યમથી સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તદુપરાંત 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર મળતી અભયમ પોલીસની સુવિધા વિષે ઉપસ્થિત શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા.
આ સાથે જ વ્હોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રાખવી પડતી સાવચેતી વિષે પણ માહિતી આપવામાં આવી હતી. સેમિનારના અંતે વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા પોતાના પ્રશ્નો પૂછી સમાધાન મેળવ્યા હતા.
આ પ્રસંગે ભરૂચ મહિલા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી તથા પોલીસ વિભાગની મહિલા શી’ ટીમ, જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર સુષ્મા ભટ્ટ, અંગ્રેજી માધ્યમના આચાર્ય સીમી વાધવા, ગુજરાતી માધ્યમના આચાર્ય મેઘના ટંડેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.