New Update
ભરૂચના આમોદ તાલુકાના દોરા ગામમાં 18 માર્ચ 2021ના રોજ બનેલી ચકચારી હત્યાના કેસમાં ભરૂચ સેશન્સ કોર્ટએ આરોપીને આજીવન કેદ તથા રૂ. 30,000 નો દંડ ફટકારવાનો ચુકાદો જાહેર કર્યો છે. આરોપી રાજેશ પોતાના પિતા નગીનભાઈ વસાવા સાથે ઝઘડી રહ્યા હતા ત્યારે તેની પાડોશમાં રહેતા કિશન વસાવાએ ઝઘડો થતા અટકાવવા વચ્ચે છોડાવવા ગયા હતા. આ સમયે આરોપી રાજેશે “તું અમારા બાપ-દિકરાના ઝઘડામાં વચ્ચે કેમ પડે છે” કહી ગુસ્સામાં કિશન વસાવા પર લાકડી વડે હુમલો કર્યો હતો. માથા અને મોઢા પર માર ઝીંકાતા કિશનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
આ બનાવને પગલે આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.આ કેસની સુનાવણી ભરૂચના બીજા એડીશનલ સેશન્સ જજ ઈ.એમ.શેખની કોર્ટમાં ચાલી હતી. સરકાર તરફથી સરકારી વકીલ મનોહરસિંહ રાઠોડે કુલ 17 સાક્ષીઓ તથા 24 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. મજબૂત દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટએ આરોપીને હત્યામાં દોષિત ઠરાવ્યો હતો.સાથે જ આરોપીને આજીવન કેદની સજા તથા રૂ. 30,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
Latest Stories