-
ભડકોદ્રા ગ્રામ પંચાયતની અનોખી પહેલ
-
ઘરવેરો અને સ્વચ્છતા માટેની જાગૃતતા લાવવાના પ્રયાસ
-
ઘરવેરો ભરતા લોકોને કરાય છે નિઃશુલ્ક ડસ્ટબીનનું વિતરણ
-
ગ્રામ પંચાયતના પ્રયાસને બિરદાવતા લોકો
-
સ્વચ્છ અને સ્વસ્થ ગામ માટે કરાય રહ્યો છે સ્તુત્ય પ્રયાસ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગ્રામ પંચાયત દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે,જે અંતર્ગત ઘરવેરો ભરતા રહીશોને નિઃશુલ્ક ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગ્રામ પંચાયત તેની અનોખી વ્યવસ્થા થકી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે,ગ્રામ પંચાયત દ્વારા લોકોમાં ઘરવેરો સમયસર ભરવા માટે અને ગામ તેમજ સોસાયટીને સ્વચ્છ રાખવા માટે પહેલ કરવામાં આવી છે.જેમાં ઘરવેરો નિયમિત રીતે ભરવા માટે આવતા લોકોને પંચાયત દ્વારા નિઃશુલ્ક ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે,જેમાં લીલા અને ભૂરા રંગના એમ બે ડસ્ટબીન આપવામાં આવી રહ્યા છે.
અને લીલો તેમજ સૂકો કચરો અલગ અલગ રીતે ડસ્ટબીનમાં જમા કરવા માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.આ પહેલ થકી લોકો ઘરવેરો ભરવા માટે જાગૃત બને તેમજ સ્વચ્છ ગામ સ્વસ્થ ગામની પહેલને અનુસરે તેવો સ્તુત્ય પ્રયાસ ભડકોદ્રા ગ્રામ પંચાયતના સરપંચ સપના વસાવા,તલાટી કમ મંત્રી રંજન વસાવા,ગામના આગેવાન રાકેશ પટેલ સહિત પંચાયતના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે.
ભડકોદ્રા ગ્રામ પંચાયતની આ પહેલથી જાગૃત થઈને લોકો ઘરવેરો ભરવા માટે પંચાયત કચેરી ખાતે આવી રહ્યા છે,અને પંચાયતની આ અનોખી વ્યવસ્થાને બિરદાવી રહ્યા છે.ઘરવેરો ભરવા માટે ભડકોદ્રા પંચાયત કચેરી ખાતે આવેલા ઉમેશકુમારે કનેક્ટ ગુજરાત સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું કે પંચાયત દ્વારા કરવામાં આવેલો નવતર પ્રયોગ વખાણવા લાયક છે,અને તેના થકી પંચાયત તેમજ પંચાયતના હદ વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે એક સુમેળ ભર્યું વાતાવરણ બની રહેશે.