-
મેડિકલ કોલેજમાં બની રેગિંગની ઘટના
-
રાજ્યની મેડિકલ કોલેજોમાં પડ્યા પ્રત્યાઘાત
-
ત્રણ ઈન્ટર્ન ડોક્ટર સાથે બની રેગિંગની ઘટના
-
કોલેજ દ્વારા ચાર ઈન્ટર્ન ડોકટર્સને કરાયા સસ્પેન્ડ
-
પોલીસ ફરિયાદ બાદ તપાસ બની તેજ
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના ત્રણ ઈન્ટર્ન ડોક્ટરનું અપહરણ કરી તેમનું રેગિંગ કરવાની ચકચારી ઘટનાથી સમગ્ર રાજ્યની મેડિકલ કોલેજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.રેગિંગની ગંભીર ઘટનાને લઈ એન્ટી રેગિંગ કમિટીએ આ ગુન્હો આચરનાર ચાર ઈન્ટર્ન ડોકટર્સને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના વર્ષ-2019ની બેચના વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ પૂર્ણ થતાં દિક્ષાંત સમારોહના આયોજનને લઈને વિદ્યાર્થીઓમાં રીતસર બે જૂથ પડી ગયા હતા.
દરમિયાનમાં દિક્ષાંત સમારોહના આયોજનને લઈને સોશિયલ મીડિયામાં થયેલી મજાકનું મનદુઃખ રાખી ડો.મિલન કાકલોતર, ડો.પિયુષ ચૌહાણ, ડો.નરેન ચૌધરી,ડો.મન પટેલ, ડો.અભિરાજ પરમાર તથા ડો.બળભદ્રએ સહઅધ્યાયી તથા જુનિયર્સ એવા ડો.આકાશ કરથિયા અને ડો.ઈશાન કોટકનું મેડિકલ કોલેજ પાસે આવેલી સ્વામી વિવેકાનંદ સર્કલ પાસેથી કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. અને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફેરવ્યો હતો અને બંનેને ધાક ધમકી આપી અપશબ્દો કહી ઢીકાપાટુનો માર માર માર્યો હતો.
આ પણ અધુરું હોય તેમ બંને અપહ્યત ઈન્ટર્ન ડોકટર્સને વલભીપુર વાડીએ લઈ જઈને ડો.બળભદ્રએ બે દિવસ સુધી ઉંધા લટકાવવાની ધમકી આપી હતી.ઉપરાંત આ તમામે એકસંપ કરી બંને ઈન્ટર્ન પાસેથી અશ્લીલ શબ્દો બોલાવ્યા હતા,અને જો તે ન બોલે તો તેમને ફરી માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત અપહ્યત બંનેને અટપટા સવાલો પૂછવામાં આવ્યા હતા. જેના ખોટા જવાબ આપે તો ફરી તેમને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
આ ઉપરાંત ડો.અમન શૈલેષભાઈ જોષીને પણ ઊંઘમાંથી ઉઠાડીને મોઢા અને ગાલ પર લાફા મારી, અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેને મૂર્ગો બનાવી મોઢા પર સિગરેટના ખાલી ખોખા ફેંક્યા હતા.ઇન્ટર્ન તબીબ સાથે થયેલા આ વ્યવહાર અંગે ત્રણેય પિડિત ઈન્ટર્ન ડોકટર્સ ભાવનગરની મેડિકલ કોલેજના ડીનને લેખિતમાં ફરિયાદ કરી હતી,અને તેઓને સારવાર અર્થે ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટનાને પગલે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં છ વિરુદ્ધ બે અલગ-અલગ ગુન્હા નોંધવામાં આવ્યા છે. બીજી તરફ, મેડિકલ કોલેજના ત્રણ વિદ્યાર્થીના અપહરણ, મારા મારવા અને રેગિંગના બનાવને લઈને મોટી સંખ્યામાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સર ટી. હોસ્પિટલ પરિસરમાં એકત્રિત થયા હતા.
ત્યાર બાદ આ મુદ્દે મેડિકલ કોલેજ ખાતે રેગિંગ કમિટિના 11 સભ્યોની મિટિંગ મળી હતી. મેડિકલ કોલેજના ડીન, ડીવાયએસપી, સીટી મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિતિમાં ત્રણ વિદ્યાર્થીઓના અપહરણ, હુમલો તથા રેગિંગ કરનાર ભાવનગરની જ મેડિકલ કોલેજના ચાર ઈન્ટર્ન ડોકટર્સને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્યના મેડિકલ કોલેજ ક્ષેત્રે ચકચાર જગાવનાર રેગિંગની ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.