Connect Gujarat
ગુજરાત

ભાવનગર : તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના કોર્ટે 7 દિવસ રિમાન્ડ મંજૂર કર્યા..!

ડમીકાંડમાંથી બહાર આવેલા તોડકાંડ પ્રકરણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉપર જ હવે સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે,

X

ડમીકાંડમાંથી બહાર આવેલા તોડકાંડ પ્રકરણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉપર જ હવે સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે, ત્યારે સમગ્ર મામલે કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં કૌભાંડને ઉજાગર કરનાર યુવરાજસિંહ સામે 2 વ્યક્તિઓના નામ જાહેર ન કરવા બાબતે બન્ને પાસેથી મળીને રૂ. 1 કરોડ ખંખેર્યા હોય, જે અંગેના પોલીસ પાસે પુરાવા મળતા પૂછપરછ માટે બોલાવેલા યુવરાજસિંહ જાડેજાની ગઈકાલે આઇપીસી કલમ 386, 388 અને 120/B મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજે યુવરાજસિંહ જાડેજા રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ 7 દિવસના રિમાન્ડ એટલે તા. 29 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ મળતા પોલીસ તેને ફરી નિલમબાગ પોલીસ મથકે લઈ જઈ તેની વધુ પૂછપરછ કરી હતી. આ કાંડમાં યુવરાજસિંહ દ્વારા અનેક નેતાઓ પર પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા, જ્યારે પોલીસ પૂછપરછમાં પોલીસના કહેવા મુજબ કોઈ નેતાના નામો નથી આપ્યા, ત્યારે હવે આ કાંડમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે, તે ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે 24 કલાક પહેલા વિદ્યાર્થી નેતા તરીકે ફૂલોના હાર પહેરી પોલીસ સમક્ષ પૂછપરછ માટે હાજર થનાર યુવરાજસિંહને તો અત્યારે તેમની સામે તેમના નજીકના ગણાતા લોકોએ કરેલા આક્ષેપના કારણે પોતાની હારનો સામનો કરવો પડ્યો છે, ત્યારે હવે ડમીકાંડમાં વધુ પૂછપરછમાં શું બહાર આવે છે, અને પોલીસ તપાસમાં વધુ કેવા ખુલાસાઓ થાય છે તે હવે જોવું રહ્યું...

તો બીજી તરફ, ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે આ મામલે જણાવ્યુ હતું કે, ભરતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુન્હામાં યુવરાજસિંહ તેની પૂછપરછ અને ધરપકડ સમયે આપેલ ૩૦ જેટલા નામોનું વેરીફીકેશન કરવામાં આવી રહ્યું છે, અને તેના દસ્તાવેજી પુરાવાઓ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. યુવરાજસિંહની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, તેમજ તેમને નામદાર કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા કોર્ટે 7 દિવસના એટલે કે, તા. 29 એપ્રિલના સાંજે 5 કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. વધુમાં રેન્જ આઈજી ગૌતમ પરમારે વધુમાં જણાવ્યુ હતું કે, યુવરાજસિંહે રાજકીય વ્યક્તિઓ પર જે આરોપ મૂક્યો છે, અને તેમણે અન્ય ભરતી પ્રક્રિયાઓમાં પણ ચાલતા કૌભાંડ વિશે પોતાની પાસે પુષ્કળ માહિતી હોવાનો દાવો કર્યો છે, તથા યુવરાજસિંહને પોતાને કોઇ પતાવી દેશે તેવું સ્ટેટમેન્ટ આપ્યું છે, ત્યારે આ તમામ બાબતો વિશે પૂછતા યુવરાજસિંહ પાસે કોઇપણ પ્રકારના પુરાવાઓ નહીં હોવાનું અને પોતે પોતાની ધરપકડથી બચવા માટે આવ્યું સ્ટેટમેન્ટ આપ્યું હોવાનું જણાવ્યું હતું.

Next Story