હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 25થી 28 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ અને મેઘગર્જનને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે વહેલી સવારથી નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો સાથેજ દરિયામાં કરંટ હોવાથી મોજા ઊછળી રહ્યાં છે. તકેદારીના ભાગરૂપે જાફરાબાદના બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે. તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર-મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજથી કેરળમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે. વેલ માર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્ર રત્નાગિરિથી 40 કિમી દૂર સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું સમાન્ય રીતે 15 જૂનની આસપાસ બેસે છે.