એક તરફ ઉનાળાની ગરમીથી લોકો ત્રાહિમામ પુકારે ઉઠ્યા છે, ત્યારે ઉનાળાના દિવસોમાં સૌથી વધુ પાણીની સમસ્યા પણ ઊભી થતી હોય છે. તેવામાં ભાવનગર જીલ્લામાં પાણીના સ્ત્રોત અને જળાશયોમાં પાણીની આવક ખૂટી રહી છે.
ભાવનગર જિલ્લાની જનતાને પાણી પુરો પાકવા માટે જિલ્લા સિંચાઈ વિભાગ હસ્તક 13 ડેમોનો સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાંથી 11 ડેમોમાં પાણી ખાલીખમ થઈ ગયું છે, ત્યારે માત્ર 2 જ ડેમમાં જ 20થી 35% પાણીનો જથ્થો જોવા મળ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમ તો અનેક વખત ઓવરફ્લો પણ થયો હતો, પરંતુ આજે આ ડેમમાં મેં મહિનાના મધ્ય ભાગમાં માત્ર 21 ટકા જ પાણી છે. આ ઉપરાંત જિલ્લના અન્ય ડેમોમાં માત્ર 5 ટકાથી લઈને 20 ટકા આસપાસ જ પાણી સંગ્રહિત થયું છે, જ્યારે 6 જેટલા ડેમ તો ગત વર્ષે પુરા ભરાયા ન હોઈ જેથી ઉનાળાના પ્રારંભે જ ડેમ ખાલી થઇ ગયા હતા. કેટલાક તાલુકાના ગામો એવા છે કે, જે સિંચાઈના પાણી આધારિત ખેતી કરે છે, જ્યારે કેટલાક ગામો વરસાદ આધારિત ખેતી કરે છે, ત્યારે જ્યાં ડેમો ખાલી છે. તેને સૌની યોજનામાં પાણી ઠાલવવા માંગ ઉભી થવા પામી છે. જિલ્લમાં તળાજા, મહુવા, ગારિયાધાર જેવા પંથકો તો ખેતી માટે જાણીતા છે. પરંતુ અહીંના જળાશયોમાં પાણી નહીં હોવાથી ખેડૂતો માટે તે ચિંતાનો વિષય છે, ત્યારે સિંચાઈ માટે તો પાણી મળવું મુશ્કેલ છે. પરંતુ જો વરસાદ ખેંચાઈ તો પીવાના પાણીની પણ સમસ્યા ઉભી થઇ શકે તેમ છે. ભાવનગર જિલ્લમાં આગામી દિવસોમાં ઉનાળાના કારણે પાણીની તંગી સર્જાઈ તે પહેલા ખાલી ડેમ ભરવામાં આવે તો ખેડૂતોને ફાયદોથી શકે તેમ છે. આ સાથે જ ગ્રામ્ય પંથકમાં પણ પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે.