/connect-gujarat/media/post_banners/123be8a63da62d703ad596c661b2ae2931860dbdf2f4c56df2803c2df6d3fbda.jpg)
ભાવનગર શહેરની સર ટી. હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાનમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સહભાગી થઈ સમગ્ર હોસ્પિટલના કેમ્પસમાં મેડિકલના વિદ્યાર્થીઓ અને સફાઇકર્મીઓ સાથે સાવરણો હાથમાં લઈને સાફ સફાઇ કરી હતી.
ભાવનગર શહેરના જન્મજ્યંતિના અવસરે આયોજિત ત્રીદિવસીય કાર્યક્રમ અંતર્ગત આજે સર ટી. હોસ્પિટલ ખાતે ''સ્વચ્છતા ત્યાં પ્રભુતા''ના મંત્રને સાકાર કરતાં સફાઇ અને સ્વચ્છતા અભિયાન આયોજિત કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સફાઇ માટેનો સાવરણો હાથમાં પકડીને સાફ સફાઇ માટે જોડાયાં હતાં. તેઓએ કેમ્પસમાં પાર્કિગ, બગીચા, સ્પોર્ટસ ગ્રાઉન્ડ સહિતની જગ્યાએ સફાઇ કરી હતી. સર ટી. હોસ્પિટલમાં સ્વચ્છતાને કારણે દર્દીઓ તથા તેમની સાથે આવતાં સગાં-વ્હાલાઓને પણ સ્વચ્છતાનું વાતાવરણ મળશે. શિક્ષણ મંત્રીએ હોસ્પિટલમાં આવેલાં દર્દીઓના ખબર અંતર પૂછવાં સાથે તેઓના સ્વાસ્થ્યની મંગલકામના પણ કરી હતી.
તેમણે હોસ્પિટલમાં દર્દી સેવા કેન્દ્ર ખાતે દર્દીઓને પૂરાં પાડવામાં આવતાં ટીફિન તથા અન્ય સેવાઓની પણ માહિતી મેળવી હતી. મંત્રી સાથે સ્વચ્છતા અભિયાનમાં સર ટી. હોસ્પિટલના આર.એમ.ઓ. તથા અન્ય તબીબો સાથે મેડિકલના વિદ્યાર્થીઓ અને સફાઇકર્મીઓ પણ જોડાયા હતા. સાથે જ મંત્રી જીતુ વાઘાણીએ સફાઇ અભિયાન બાદ પી.આઇ.યુ.ના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. ઉપરાંત સફાઇ સાથે સંકળાયેલાં અધિકારીઓને હોસ્પિટલની સ્વચ્છતા જળવાઇ રહે તે માટેના ઉપચારાત્મક પગલાંઓ વિશેની જાણકારી પણ આપી હતી.