-
સીદસર રોડ સ્થિત ઓઝ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની ઘટના
-
વિદ્યાર્થિનીના પિતાએ અન્ય વિદ્યાર્થી પર ઝીંક્યા છરીના ઘા
-
વિદ્યાર્થી પર હીંચકારા હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ
-
વિદ્યાર્થિની સાથે વાતચીત કરવા જેવી બાબતે કર્યો હુમલો
-
હુમલો કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી
ભાવનગર શહેરના સીદસર રોડ પર આવેલ શૈક્ષણિક સંકુલમાં સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે વાત કરવાની દાઝ રાખી વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયા હોવાની ઘટના બની હતી. સમગ્ર મામલે હુમલો કરનાર વિદ્યાર્થિનીના પિતાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરના સીદસર રોડ પર આવેલ ઓઝ ઇન્સ્ટિટ્યૂટ નામની શૈક્ષણિક સંસ્થા ખાતે એક વિદ્યાર્થી પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર, ઓઝ ઇન્સ્ટિટ્યૂટ ખાતે નિટમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કાર્તિક સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે વાત કરતો હોય, જે અંગે વિદ્યાર્થીનીના પિતા જગદીશ રાછડને જાણ થતાં તેઓએ વિદ્યાર્થીને તેની દીકરી સાથે વાત નહી કરવા સમજાવવા માટે શૈક્ષણિક સંકુલ ખાતે મિટિંગ હોલમાં બોલાવ્યો હતો.
જ્યાં મિટિંગ દરમિયાન સંચાલક સહિતનાની હાજરીમાં જગદીશ રાછડએ અચાનક ઉશ્કેરાઈ જઈ વિદ્યાર્થી કાર્તિક પર છરી વડે હુમલો કરતા દેકારો મચી ગયો હતો. બનાવના પગલે સંસ્થાના અન્ય લોકો આવી જતા હુમલો કરનાર જગદીશ રાછડને બહાર લઇ ગયા હતા, અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થી કાર્તિકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં વિદ્યાર્થીની સ્થિતિ ગંભીર હોવાથી તેને ICUમાં રાખવામાં આવ્યો હતો.
તો બીજી તરફ, ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાને જાણ થતાં તેઓ પરિવારજનો સાથે હોસ્પિટલ દોડી આવ્યા હતા. ત્યારબાદ ઘટના અંગે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી વિદ્યાર્થી કાર્તિક પર હુમલો કરનાર જગદીશ રાછડને ઝડપી પાડ્યો હતો.