ભાવનગર શહેરમાં જયાં મોટાભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ રહે છે તેવા કાળીયાબીડમાં જ રસ્તાઓ બિસ્માર બની ગયાં છે. અધિકારીઓ તથા પદાધિકારીઓ રોજ આ રસ્તા પરથી અવરજવર કરતાં હોવા છતાં રસ્તાઓ રીપેર કરવામાં આવતા નહિ હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે....
ભાવનગર શહેરમાં ચોમાસાની શરૂઆતથી જ મોટાભાગના રસ્તાઓ બિસ્માર બની ગયાં છે. શહેરના કાળીયાબીડ, ભરતનગર, આનંદનગર, રીંગ રોડ સહિતના મુખ્ય માર્ગો પર વરસાદના કારણે મસમોટા ખાડા પડી જતાં વાહનચાલકો ભારે હાલાકી વેઠી રહયાં છે. ખાડાઓના કારણે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહયાં છે. શહેરની સૌથી મોટી વસાહત એવા કાળીયાબીડ વિસ્તારમાં અધિકારીઓ અને પદાધિકારીઓના નિવાસસ્થાન આવેલાં છે. તેઓ આ રોડ પરથી રોજ પસાર થતાં હોવા છતાં તેઓ રસ્તાના રીપેરીંગ માટેની તસદી લેતાં નથી. તેઓના આવા વલણના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહયાં છે.