ગીતા ચોક વિસ્તારમાં આવેલ ઋષભદેવ ફ્લેટની ઘટના
જર્જરિત એપાર્ટમેન્ટનો દાદર અચાનક ધરાશાયી થઈ પડ્યો
બનાવના પગલે પાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડ્યા
ફ્લેટમાં 15થી વધુ સ્થાનિકોનું ફાયર ફાઇટરોએ કર્યું રેસક્યું
કોઈ જાનહાનિ નહીં સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો
ભાવનગર શહેરના ગીતા ચોક વિસ્તારમાં આવેલ ઋષભદેવ ફ્લેટમાં દાદર ધરાશાયી થતાં પાલિકાના ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી સ્થાનિકોનું રેસક્યું કર્યું હતું. મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના ગીતા ચોક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જર્જરિત બને ઋષભદેવ બિલ્ડીંગનું રિપેરિંગ કામ ચાલતું હતું. આ દરમ્યાન ઋષભદેવ ફ્લેટનો મુખ્ય દાદર અચાનક ધરાશાયી થઈ તૂટી પડતાં સ્થાનિકોના જીવ પડિકે બંધાયા હતા.
બનાવના પગલે આસપાસના લોકોએ દોડી આવી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો બીજી તરફ, પૂર્વ ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચ્યા હતા.
આ તરફ, ફ્લેટના બીજા માળનો દાદર ધરાશાયી થતા ઉપરના મળે 15થી વધુ લોકો ફસાયા હતા, ત્યારે પાલિકાના ફાયર ફાઇટરોએ ભારે જહેમત સાથે મહિલાઓ અને બાળકો સહિત તમામ લોકોને રેસક્યું કરી સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.